

અંકિત, પોપટ, રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટ (Rajkot) શહેર તેમજ રાજકોટ જીલ્લો નશાના (Drugs) કારોબાર માટે નું એપી સેન્ટર બની ચૂક્યું છે. તો છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર અને જિલ્લામાં ઝડપાતા નશાના કારોબારના તાર સુરત તેમજ અન્ય રાજયો સાથે જોડાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવતું રહ્યું છે. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 41 કિલો ગાંજાના (41 Kgs of Marijuana caught) જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.


સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ અસલમ અન્સારી અને તેમની ટીમના મહમ્મદ અઝહરૂદ્દીન બુખારી, વિજેન્દ્ર સિંહ સહિતનાઓ ને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી સ્વિફ્ટ કાર GJ03KH0847 ની અંદર ગાંજાના જથ્થા ને કાદર અનવર ભાઈ પઠાણ તેમજ ચેતન ચમનભાઈ સાપરીયા લઈને આવી રહ્યા છે.


ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે swift કાર પસાર થતાં પોલીસ દ્વારા તેને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પોલીસને જોતા કારચાલકે કાર હંકારી મુકી હતી. જેના કારણે એસ.ઓ.જી.ની બે ટીમોએ બે કાર મારફતે સ્વીફ્ટ કારનો પીછો કર્યો હતો.


આ સમયે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 10 કિલોમીટર સુધી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દ્વારા આરોપીઓની કારનો પીછો કરવામાં આવ્યો હતો.


જે બાદ આરોપીઓની swift કાર કુવાડવા અને ક્રિષ્ના વોટરપાર્ક વચ્ચે પલટી ખાઈ જતા બંને આરોપીઓ કારમાંથી ઉતરીને ખેતરમાં ભાગવા લાગ્યા હતા. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બંને આરોપીઓનો પીછો કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.