અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ટેકાના ભાવે (MSP) મગફળી (Groundnut)ની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોનો ઝૂકાવ સરકારી ખરીદીની જગ્યાએ ખુલ્લા બજાર તરફ વધુ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટના ચાર સેન્ટર પર 80 ખેડૂતો (Farmers)ને પોતાની મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ ત્રણ તાલુકામાંથી ફક્ત નવ જ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાની સાથે ખરીદીના સેન્ટરો પર જાણે ખેડૂતોની કીડિયારું ઊભરાયું હોય છે. પરંતુ ચાલુ વર્ષે અહીંયા ખેડૂતોએ મગફળીની ખરીદી મામલે નિરસતા દાખવી છે.
રજીસ્ટ્રેશન માટે પડાપડી હતી તો શા માટે આવું થયું? : ટેકાના ભાવે ખેડૂતો શા માટે મગફળીનું વેચાણ કરવા માટે રસ નથી દાખવી રહ્યા તે પાછળ ખાસ કારણ જવાબદાર છે. કારણ કે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાની સાથે જ ખુલ્લા બજારમાં મગફળોની ભાવ ટેકાના ભાવ કરતા વધારે બોલાઈ રહ્યો છે. આ જ કારણે ખેડૂતોને ટેકાના ભાવમાં મગફળી વેચવામાં હવે કોઈ રસ નથી રહ્યો. બીજું કે ટેકાના ભાવે ખરીદી માટે કેટલાક નિયમો પણ છે. જેમાં મગફળી રિજેક્ટ થાય તો ખેડૂતોને નુકસાન જાય છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીના વેચાણ બાદ તેની ચૂકવણી પણ મોડી કરવામાં આવે છે. ખેડૂતોને નવા બિયારણની ખરીદી માટે તાત્કાલિક પૈસાની જરૂર રહેતી હોય છે. આ માટે જ ખેડૂતો ટેકાને બદલે ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 20 કિલો મગફળીનો ટેકાનો ભાવ સરકાર તરફથી 1,055 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ખુલ્લા બજારમાં હાલ ખેડૂતોને 1,200થી 1,300 રૂપિયા મળી રહ્યા છે.
એક મહિનાથી ખેડૂતો વેચી રહ્યા છે મગફળી : અત્રે એ પણ નોંધવું રહ્યું છે ખેડૂતો છેલ્લા એક મહિનાથી ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી અંદાજિત 28થી 30 લાખ ગુણી મગફળીનું વેચાણ થઈ ચૂક્યું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયા પહેલા ખુલ્લા બજારમાં ખૂબ જ ઓછા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી હતી. ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી તેઓ નુકસાન સહન કરીને પણ મગફળીનું વેચાણ કરી રહ્યા હતા. જોકે, હવે ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં વેપારીઓ ટેકાના ભાવ કરતા ઊંચા ભાવે મગફળીની ખરીદી કરી રહ્યા છે. એટલે કે અત્યાર સુધી વેપારીઓએ સસ્તા ભાવે ખેડૂતોની મગફળી ખરીદી લીધી છે. હવે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી લેશે તેવા ડરને કારણે તેઓ ઊંચા ભાવે પણ મગફળી ખરીદી રહ્યા છે.
ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળતા હોવા છતાં ખેડૂતો શા માટે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે આવ્યા છે તે મામલે મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઓપન માર્કેટમાં ચારથી પાંચ દિવસે મગફળી વેચવાનો વારો આવતો હોવાથી અમે ઓછા ભાવે સરકારને મગફળી વેચવા આવ્યા છીએ. એટલે કે આ તમામ કેસમાં ખેડૂતોએ જ નુકસાન સહન કરવું પડી રહ્યું છે.