

અંકિત પોપટ, રાજકોટ : જિલ્લામાં રવિવારના રોજ કમોસમી વરસાદ વરસ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ગોંડલ પંથક તેમજ જામકંડોરણાં વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના કોલીથડ અને લુણીવાવ ગામે વરસાદ સાથે કરા પણ પડયા હતા. તો જામકંડોરણાં તાલુકાના કાના વડાળા ગામે વીજળી પડતાં એક મજુરનું મોત અને અન્ય એક મજુર ઘાયલ થયો હતો.


તો બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડ માં પણ વરસાદ ખાબકતા ખેડૂતોની ખુલ્લામાં રાખવામાં આવેલી વિવધ જણસ પલળી જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પડેલા વરસાદના કારણે ઘઉં, મગફળી તેમજ ધાણાની જણસ પલળી ગયાનું સામે આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનાં કારણે હજુ ગત અઠવાડિયેથી જ રાજકોટ જિલ્લાનાંં જુદાજુદા માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસટન્સિંગ જળવાઈ રહે તે માટે જુદા જુદા યાર્ડ દ્વારા ખૂબ મર્યાદિત માત્રામાં જ ખેડૂતોને પોતાની જણસ લઈ યાર્ડની વેચવા માટે બોલાવવામાં આવે છે.


ત્યારે હાલ ગોંડલ પંથકના કેટલાક ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ લાગ્યા જેવી બની છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા નુકસાની જનાર ખેડૂતોને કોઈ વળતર આપવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું રહેશે. રવિવારના રોજ રાજકોટ જિલ્લાના બે જેટલા તાલુકાઓમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. કારણ કે આગામી દિવસોમાં જો હજુ વધુ કમોસમી વરસાદ થાય તો ખેડૂતોનો પાક બળી જવાની પણ ભીતિ સેવાઇ રહેલી છે.