

હરિન માત્રાવાડિયા, રાજકોટઃ આજે શનિવારે દિવાળીનો (Diwali 2020) પવિત્ર તહેવાર છે જે રંગીલા રાજકોટવાસીઓ (Rangila rajkot) હર્ષોઉલ્લાસથી દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM vijay rupani) પણ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવા સવારે જ રાજકોટ આવી પહોંચ્યા હતા. સવારે એરપોર્ટ પરથી મુખ્યમંત્રી એ રાજકોટ સહિત સમગ્ર રાજ્યના લોકોને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.


રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિવાળીના પાવન પર્વ નિમિત્તે થતા પારંપરિક ચોપડા પૂજનમાં સામેલ થયા હતા. રાજકોટના ગરેડીયા કુવા રોડ પર આવેલી મુખ્યમંત્રીના પરિવારની રમણીકલાલ એન્ડ સન્સ પેઢીમાં યોજાયેલા પારંપરિક ચોપડા પૂજન વિધિમાં યોજાઈ હતી. જેમાંવડીલબંધુ પ્રવીણભાઈ રૂપાણી તથા સમસ્ત રૂપાણી પરિવાર સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અંજલીબેન રૂપાણી જોડાયા હતા.


માં લક્ષ્મીજીના પૂજન-અર્ચન કરી ભક્તિ ભાવપૂર્વક સર્વના મંગલની કામના કરી હતી. રાજકોટ વિવિધ ધર્મના અગ્રણીઓ પાસેથી મુખ્યમંત્રી રૂપાણીએ દિવાળી પર્વની શુભેચ્છાઓ ગ્રહણ કરી હતી.


મુખ્યમંત્રીએ રસ્તા પર ઉભેલા ઉત્સવપ્રેમી નાગરિકોના દિવાળીના અભિવાદન ઝીલ્યા હતા અને સર્વેને શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી આજે અને આવતીકાલે બપોર સુધી રાજકોટ પોતાના ઘરે રહેશે.