અંકિત પોપટ, રાજકોટ : ગોંડલ-જેતપુર હાઈવે (Gondal Jetpur Highway) પર અકસ્માતના બે (Accidents) બનાવો સામે આવ્યા છે. એક ઘટનામાં ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર સળગીને (Car Ablaze) ખાક થઈ ચૂકી છે જ્યારે કે બીજી ઘટનામાં ડુંગળી (Onions) ભરેલું ટ્રેક્ટર કાર ઉપર પલટી મારતા કારને નુકસાન થવા પામ્યું છે. ગોંડલ પાસે આવેલી ગુંદાળા ચોકડીથી થોડે દૂર કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. જોકે, બંને ઘટનામાં ચાલકોના આબાદ બચાવ થતા 'મોતને હાથતાળી' આપ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
પ્રથમ બનાવમાં અકસ્માત થતાં જ જોતજોતામાં કાર બળીને ખાખ થવા પામી હતી. જોકે સદ્નસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં જ ગોંડલ પોલીસ તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી ફાયરબ્રિગેડનો સ્ટાફ દ્વારા કારમાં લાગેલ આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગોંડલ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી મરચા સહિતની જણસીની ધૂમ આવક થવા પામી રહી છે. ત્યારે ગઇકાલ બપોર બાદથી ગોંડલ માર્કેટ યાર્ડ બહાર વાહનો ના અંદાજિત 4 થી 5 કિમી સુધીના થપ્પા લાગ્યા છે. ત્યારે ડુંગળી ભરેલ ટ્રેક્ટર પલટી મારતા વેગેનાર કાર સાથે અકસ્માત સર્જાયો છે. સમગ્ર બનાવમાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે. ત્યારે દ્રશ્યોમાં પણ જોઇ શકાય છે કે કયા પ્રકારે ડુંગળી ભરેલ ટ્રેક્ટર પલટી મારતા કારનું બોનેટ તેમજ આગળના કાચ સહિત કારને નુકશાન થવા પામ્યું છે.