

અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેરના (Rajkot) કિસાનપરા માં આવેલા એક મકાનમાં છેલ્લા દસ વર્ષથી અઘોરી જેવી હાલતમાં (Brother and Sister) ઓરડીમાં કેદ થયેલા ત્રણ ભાઈ બહેનો મળી આવ્યા હતા. પરંતુ માત્ર એક સપ્તાહમાં જ તેમનું જીવન જ બદલાઈ ગયું છે. જેનો શ્રેય જાય છે રાજકોટના સાથી સેવા ગ્રુપ નામના સામાજીક ટ્રસ્ટ ના સેવાભાવી લોકોને હવે કેદમાંથી નીકળેલા આ ભાઈ બહેન સામાન્ય જિંદગી બદલાઈ ગયા છે અને તેમની સકલ સૂરત બદલાઈ ગઈ છે.


27 ડીસેમ્બર રવિવારના રોજ રાજકોટ શહેરના પોર્સ સમાન ગણાતા એરિયા એવા કિસાનપરા માં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે ઘટનામાં મહેતા પરિવાર ના વેક એજ્યુકેટેડ ત્રણ સંતાનો પોતાના જ ઘરમાં છેલ્લા દસ વર્ષથી પુરાઈને રહેતા હતા. ત્યારે સમગ્ર મામલાની જાણ નીતાબેન પ્રજાપતિ નામના મહિલાને થતાં તેણે રાજકોટ શહેરમાં કાર્ય કરતી સાથી સેવા ગ્રૂપ નામની સામાજિક સંસ્થા ને કરી હતી.


ત્યારે સાથી સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ સ્વયંસેવકો એ ઘરનું બારણું તોડી ત્રણેય ભાઈ બહેન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ ત્રણેય ભાઈ બહેનને નવડાવી તેમના અઘોરી જેવા થઈ ગયેલા બાલ દાઢી કરાવી તેમને સારા કપડાં તેમજ ભોજન આજદિન સુધી આપવામાં આવી રહ્યું છે. તો સાથેજ સૌથી મોટા દીકરા ની રાજકોટના નામાંકિત ડોક્ટરો ની સલાહ મુજબ સારવાર પણ ચાલી રહી છે.


એક સપ્તાહ પૂર્વે પોતાના જ ઘરમાં કેદ થયેલા ત્રણેય ભાઈ-બહેનો ની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી. ત્રણેય ભાઈ-બહેનો ના વાળ તેમજ તેમની પરિસ્થિતિ અઘોરી જેવી લાગતી હતી. ત્રણેય ભાઈ બહેનો ના પિતા નવીનભાઇ મહેતાએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમના સંતાનો ઉપર કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું જણાવ્યું હતું. મેલી વિદ્યા ના કારણે જ તેમના સંતાનો ની દુર્દશા થઇ હોવાનું પણ ખુદ નવીનભાઈ મહેતાએ જણાવ્યું હતું.


ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સાથી સેવા ગ્રુપ ના જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, અમે ત્રણેય ભાઈ બહેનની સાથે તેમના ભૂતકાળની વાતો કરીએ છીએ. ભૂતકાળમાં તેમનું કયા પ્રકારનું જીવન હતું તેમની આસપાસ કયા પ્રકારના લોકો હતા તેમની કયા પ્રકારની એક્ટિવિટી હતી તે તમામ બાબતો યાદ કરાવવાનું કામ હાલ મારા અને મારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.


નવીનભાઈ મહેતાનો સૌથી નાનો પુત્ર ભાવેશ કે જે સારું ક્રિકેટર હતો ક્રિકેટની નાઈટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. ત્યારે તેને હાલ ક્રિકેટ ની રમત રમાડવામાં આવી રહી છે. તો સાથોસાથ ભાવેશ અને તેની મોટી બહેન મેઘનાને અમે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ જોડ્યા છે. અમારા સામાજિક સંસ્થા દ્વારા છેલ્લા સાત થી આઠ વર્ષથી સતત અન્નક્ષેત્ર ચાલે છે ત્યારે હાલ ભાઈ બહેન અમારા અન્ય ક્ષેત્રમાં સહયોગ પણ આપી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે નવીન ભાઈ મહેતા ના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટો પુત્ર અંબરીશ મહેતા વકીલાતનો અભ્યાસ કર્યો છે બીજા સંતાન તરીકે દીકરી મેઘના મહેતાએ એમ એ વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. જ્યારે કે ત્રીજા નંબરે રહેલા સંતાન તરીકે ભાવેશ મહેતાએ ગ્રેજ્યુએશન કર્યું છે તો સાથોસાથ તે સારો ક્રિકેટર પણ હતો અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો.


આજે નવીનભાઈના ત્રણ સંતાનો પૈકી બીજા નંબરના સંતાનમાં દીકરી મેઘના તેમજ ત્રીજા નંબરના સંતાન પુત્ર ભાવેશ છે તેનું જીવન પ્રમાણમાં સામાન્ય બનતું જાય છે. મારી તેમજ મારી ટીમ દ્વારા સતત એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે 10 વર્ષ પૂર્વે જે પ્રકારે નવીનભાઈ મહેતાના ત્રણેય સંતાનો પોતાનું જીવન જીવતા હતા તે જ પ્રકારે તેઓ પોતાનું જીવન જીવે.