અંકિત પોપટ/હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજકોટમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના તમામ અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી નડી હતી. બીજા સારા સમાચાર છે કે વરસાદને કારણે આજી-2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. પડધરી ખાતે આવેલો ડોડી ડેમ પણ વરસાદને કારણે ઓવરફ્લો થયો છે.
રસ્તાઓ ધોવાયા : રાજકોટમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તાનું ધોવાણ થયું છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4 થી 6 ઇંચ વરસાદ પડતા કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદી બે કાંઠે વેહતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ નદી બે વર્ષથી ખાલી પડી હતી. આ વરસાદ થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
ડેમોમાં નવા નીરની આવક : રાજકોટમાં ભારે વરસાદને પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં આજી-1 ડેમમાં પોણ ઇંચ વરસાદ, આજી-2 ડેમમાં 9.35 ફૂટ, ન્યારી-1 ડેમમાં અડધો ફૂટ, ભાદર ડેમમાં 0.3 ફૂટ પાણીની આવક થઈ છે. આજી-2 ડેમના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી છે.