ગત અઠવાડિયા પહેલા રાજકોટ પોલીસ અચાનક હરકતમા આવી હતી અને શહેરના સ્પા અને મસાજ પાર્લરો પર દરોડા કર્યા હતા. આ દરમિયાન 12 જેટલા સ્પામાં કામ કરતી 45 જેટલી વિદેશી યુવતીઓને પોલીસે પકડી પાડી હતી. આ યુવતીએ ગેરકાયદે રીતે ભારતમાં રહીને કામ કરતી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આ યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર આવીને અહીં કામ કરી રહી હતી. આ તમામ યુવતીઓને પોતાના જે-તે દેશમાં ડિપોર્ટ કરવામાં આવી છે.
યુવતીઓ ખરેખર લિંગ પરિવર્તન કરાવેલા યુવકો હતા: પાંચમી ઓગસ્ટના રોજ શહેરમાં વિવિધ સ્પા અને મસાજ પાર્લર પર પોલીસના દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે 45 જેટલી વિદેશી યુવતીઓની ધરપકડ કરી હતી. તપાસ બાદ હવે માલુમ પડ્યું છે કે આ 45માંથી 7 યુવતી એવી છે જેણે સેક્સ ચેન્જ (લિંગ પરિવર્તન) કરાવ્યું હતું. તેનો જન્મ છોકરા તરીકે થયો હતો પરંતુ બાદમાં ઓપરેશન કરાવીને તે છોકરામાંથી છોકરીઓ બની હતી.
છેલ્લા એક બે વર્ષથી રાજકોટમાં સ્પાનું ચલણ ખૂબ વધ્યું હતું. અહીં બિલાડીની ટોપની જેમ સ્પાની હાટડીઓ ખુલી ગઈ હતી. પોલીસને એવું આશંકા હતી કે આ સ્પામાં કામ કરનારી વિદેશી યુવતીએ ગેરકાયદે ભારતમાં આવીને કામ કરી રહી છે. તેમજ સ્પામાં બીજા ગોરખધંધા પણ ચાલી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને જ એકસાથે આખા શહેરમાં સ્પા સેન્ટર્સ પર દરોડા કરવામાં આવ્યા હતા.
અમુક યુવકોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આજથી બે-ત્રણ વર્ષ પહેલા રાજકોટના અસંખ્ય યુવકો સ્પા અને સમાજ પાર્લર માટે અમદાવાદ સુધી લાંબા થતા હતા. પરંતુ હવે ઘર આંગણે જ એટલે કે શહેરમાં જ વિદેશીઓ યુવતીઓ પાસે સ્પા અને મસાજનો આનંદ મળી રહે છે. આજ કારણે અહીં બિલાડીની ટોપની જેમ સ્પા ફૂટી નીકળ્યા હતા.