અતુલ જોશી, મોરબી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મ દિવસ (70th Birthday PM Modi) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે તેઓએ વાંકાનેર (Wankaner) ખાતે વાદી જ્ઞાતિ (Snake Charming Community)ના લોકોને રહેવા માટે મકાન અને બાળકોને ભણાવવા માટે શાળાઓ બનાવી આપી હતી. આજે આ વાદી કોમના 250થી વધુ પરિવારના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બાંધી અને તેમની પૂજા અર્ચના કરી રહ્યા છે. વાંકાનેર ખાતે છેલ્લા 15 વર્ષથી મંદિર બાંધી વાદી કોમના લોકો નરેન્દ્ર મોદીની પૂજા કરતા હોવાનું જાણવા મળ્યું છે.
વાદી જ્ઞાતિના આગેવાન આનંદગીરીના જણાવ્યા મુજબ વર્ષ 2005માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ અમને કહ્યુ હતુ કે, અમને તમારા બાળકોને શાળામાં ભણાવવા આપો એટલે હું તમને બધાને રહેવા માટે મકાન આને વીજળી-પાણી આપીશ. તેઓની આ શરત સાથે વાદી જ્ઞાતિના લોકો સહમત થતાં તમામને રહેવા માટે મકાન અને પાણી તેમજ વીજળી પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહીં શાળા પણ બાંધી આપી હતી.