

અતુલ જોશી, મોરબી: વિશ્વ આજે એકવીસમી સદીમાં જીવી રહ્યું છે, ટેકનોલોજીએ હરણફાળ પ્રગતિ સાધી છે માણસ વિચારે એના કરતાં વધુ ઝડપથી ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે જો આ સમયમાં કહેવામાં આવે કે માણસ જીવતા સમાધિ લેશે તો એ હકીકત ન લાગે પરંતુ આવો જ એક કિસ્સો મોરબીમાં આગામી સમયમાં થવા જઇ રહ્યો છે.


મોરબી જીલ્લાના પીપળીયા ગામમાં રહેતા મુછડીયા કાંતિલાલ કે જેઓના જણાવ્યા મુજબ તેઓ આગામી ૨૮ તારીખે જીવતા સમાધી લેવાના છે. શું આજના આ આધુનિક સમયમાં આ શક્ય છે? પરંતુ તેમનો દ્રઢ નિશ્ચય બતાવે છે કે તેઓ પોતાના આ નિર્ણય પર અડગ છે, પોતાના જીવતા સમાધી લેવાના પાછળ તેઓ પોતે જ જવાબદાર છે અને કોઈના કહેવાથી કે ઉશ્કેરાટથી આ નિર્ણય નથી લીધો.


તેમના કહેવા પ્રમાણે, તેઓ ઘણાં સમય પહેલા કોઈ અસાધ્ય રોગથી પીડાતા હતાં. ઘણાં વૈદ, હકીમો, ડોક્ટર તેમજ ભુવાને બતાવ્યું પરંતુ તેમના રોગનું કોઈ નિરાકરણ થતું નહોતું અને તે મૃત્યુના સમીપ પહોંચ્યા, બાળકો નાનાં હોવાથી તેની ચિંતા વધુ હતી ત્યારે આ તેમના પરદાદા નોંધાણા સાહેબે તેમને સપનામાં આવી કીધું કે હું તને જે રસ્તો બતાવું, તે રસ્તે તુ ચાલ, હું તને જીવતદાન આપીશ. પરંતુ, તે માટે તારે બધા વ્યસનોને તિલાંજલિ આપવી પડશે અને ધર્મ ભક્તિના માર્ગે ચાલવું પડશે અને હું કહું એટલે તારે જીવન છોડી મારી પાસે આવવું પડશે.


તેમણે કહ્યું, જેથી મેં તેમની વાત માની ધર્મનો રસ્તો પકડ્યો અને વ્યસનો છોડી દીધા, અમારા આ દાદાના પરચા પણ બહુ છે આ પરદાદા નોંધાણા સાહેબે હડકવા, ટીબી તેમજ કેન્સર જેવા અસાધ્ય રોગ મટાડે છે. તે જાગતો પુરુષ છે કોઈપણને કુતરુ કરડે તો તેને હડકાઈ મટાડે છે, જે દાદાની અસીમ કૃપા છે.


તેમના જણાવ્યા મુજબ, ધર્મના ઠેકા હેઠળ અધર્મ ફેલાયો છે, મારા પરદાદા સાથે હું વચને બંધાયેલ કે હું કહું એટલે તારે ચાલતું થઈ જવાનું, માટે હવે તેમનો આદેશ આવતાં આગામી ૨૮ તારીખે પરદાદાની આજ્ઞાથી જીવતા હું સમાધી લઈશ. ૨૮ તારીખ એ તેમના ગુરુનો વાર છે, તેમજ માગશર બીજના દિવસે તેમના પરદાદાના પાઠનો દિવસ હોવાથી એ દિવસે સવારે 9.30થી 9.45ના સમય દરમિયાન જીવતા સમાધી લેવા, તૈયારી આરંભી છે.


ન્યૂઝ18 સાથે વાત કરતા મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ અરજણ ભાઈ મૂછડીયાએ જાહેરાત કરી કે, તેમને નવઘણ દાદા દ્વારા સપનામાં આવી તેની સાથે આવી જવા આહવાન કર્યું છે, જેના આધારે કાંતિભાઈએ પોતાના જીવતા જ સમાધી આગામી તા.28 ના રોજ લેવા માટે નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે ગુરુનો દિવસ ફાગણ બીજનો હોવાથી સરકાર જ્યાં જગ્યા ફાળવે ત્યાં સમાધી લેશે અને જો સરકાર સમાધિ માટે જગ્યા ન આપે તો તે કપડાંની આડશો ઉભી કરી અને તાનો જીવ છોડશે. આ પ્રક્રિયા 28 તારીખે સવારે સાડા નવ અને પોણા દસ એટલે કે પંદર મિનિટમાં તે પોતાનો જીવ છોડશે અને પોતાના ગુરુ પાસે પહોંચી જશે.


તેમણે કહ્યું કે, તેઓ પોતાના પરિવાર સાથે પીપળીયા ગામે છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરે છે, તેમને સંતાનમાં બે પુત્રો છે, જે બધા વેલ સેટ છે, જેથી હવે તેઓને કોઈ ઉપાધી નથી. તેમણે કહ્યું કે, પંદર વર્ષ પહેલા તેઓ અનેક ઢોંગી બાવા અને ભૂવાઓ પાસે ગયા હતા, તેમને કૂતરું કરડયું હતું, અને હડકવા ઉપડ્યો હતો, પરંતુ કોઈ આ રોગ મટાડી શક્યું ન હતું. ત્યારે જામદૂધઈ ખાતે 450 વર્ષથી બિરાજમાન રહેલા નવઘણ દાદાએ આ દર્દ વર્ષ 2005માં મટાડી દીધુ હતું, તે સાથે તેમણે કહ્યું હતું કે, બધું સારું થઈ જાય એટલે પોતાની પાસે આવી જજે. હમણાં જ થોડા દિવસ પહેલા અચાનક જ કાંતિલાલને તેમના ગૃરુએ સપનામાં આવી મોક્ષ પ્રાપ્ત માટે સમાધિ લેવાનું કહ્યું, આ વાત તેમણે પરિવારને કહેતા<br />પરિવારજનો ચોકી ઉઠ્યા હતાં.


આ મુદ્દે ગામના સરપંચ અલ્પેશ કોઠીયા દ્વારા પણ કાંતીલાલને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ, તેઓ ટસ ના મસ નહોતા થયા અને પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. આ બાબતની જાણ મોરબી એસપી કરનરાજ વાઘેલાને થતાં, તેમણે તુરંત મોરબી તાલુકા પોલીસને સતર્ક કરી દીધી છે. આ સાથે પોલીસને પરિવારજનો અને કાન્તિલાલ પર નજર રાખવા અને કઈ અજુગતું ન બને એ માટે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે, ત્યારે હવે આગામી 28 નવેમ્બરના રોજ સવારે શુ કાંતિલાલ તેના ગુરુ પાસે પહોંચી જશે કે પછી આ એક અંધશ્રદ્ધા જ છે તેના પર સૌ કોઈની મીટ મંડાઈ રહી છે.