

અતુલ જોશી, મોરબી : મોરબીમાં લોકડાઉન વચ્ચે જાહેરમાં બર્થ ડે પાર્ટી યોજાઈ હોવાની ઘટના સામે આવી છે. આ પાર્ટીના ફોટા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતા પોલીસને પાર્ટી વિશે માલુમ પડ્યું હતું અને તુરંત જ પાર્ટીમાં હાજર 12 શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દાખલો બેસાડવા માટે તમામ યુવકોને જેલની હવા ખવડાવી હતી.


પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના બોરીયાવાસમાં રહેતા અલ્તાફ ઉર્ફે અલુ અકબરભાઈ ફકીર નામના શખ્સનો બર્થ ડે હોવાથી તા. 7 એપ્રિલના રોજ જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.


જોકે, જે તે સમયે આ તમામ લોકો પોલીસની નજરથી બચી ગયા હતા. પરંતુ આ સેલિબ્રેશનના ફોટો તેઓએ સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. આ તસવીરો પોલીસને ધ્યાને આવી ગયા હતા. આ ફોટાને આધારે એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ તથા બોરીયાવાસના 12 શખ્સોની ધરપકડ કરીને તેઓની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નોંધનીય છે કે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કામ વગર બહાર નીકળવા ઉપર પણ પ્રતિબંધ છે. આવા સમયે લોકડાઉનનો ભંગ કરનારા સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે.


તંત્રની અનેક વિનંતી છતાં લોકો ચોરી છૂપીથી લોકડાઉનનો ભંગ કરે છે. બીજા કોઈ લોકો આવું ન કરે તે માટે પોલીસે દાખલો બેસાડવા માટે કાર્યવાહી કરી છે. લૉકડાઉન મામલે હાલ પોલીસની ખાસ ટેક્નિકલ ટીમ સોશિયલ મીડિયા અને શહેરના સીસીટીવી કેમેરા ઉપર બાજ નજર રાખી રહી છે.