અતુલ જોશી, મોરબી : મોરબીના પંચાસર ગામે દરબાર પૌઢની હત્યા કેસમાં ફાયનલ દલીલ સંમયે ફેરતપાસનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે.જેમાં મોરબી જિલ્લાના પંચાસર ગામે રીવોલ્વર તેમજ પીસ્તોલ તેમજ ડબલ બેલ હથિયારો ધારણ કરી દરબાર પંચાસરના જ સહદેવસિંહની હત્યા થઈ હતી. આ કેસમાં પોલીસ દ્વારા (1) રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા (2) સહદેવસિંહ બાલુભા ઝાલા (3) નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા (4) વિક્રમસિંહ નાથુભા ઝાલા (૫) અરવિંદસિંહ નટુભા ઝાલા (6) હીતુભા બાલુભા ઝાલાની ધરપકડ કરાઈ હતી અને તમામ આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસે તપાસ કરી ડીસ્કવરી પંચનામાથી બે આરોપીઓ પાસેથી તેમજ અન્ય ચાર આરોપીઓ વતી લાયસન્સ વાળી રીવોલ્વર, બંદૂકો, પીસ્તોલ વિગેરે કુલ-6 કન્સ આરોપીઓ વિરૂધ્ધ હથીયારો કબ્જે કરી અને આરોપીઓ વીરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.
કેસમાં ફરીયાદીનાં પક્ષે ફરીયાદી, ઇજા કામના સાહેદો, પંચો ડોકટર તથા એફ.એસ.એલ. અધિકારીની જુબાની લેવામાં આવેલ હતી અને ફરીયાદ પક્ષ દ્વારા મજબૂત પુરાવા રજુ કાયા હતા અને કેસ પૂર્ણ થવા ઉપર હતો ત્યારે મૂળ ફરીયાદીએ મોરબીની સેશન્સ જજની કોર્ટમાં આ કેસમાં કરવામાં આવેલ ડીસ્કવરી પંચનામા તેમજ અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ ત્યારે બીજા ચાર હથિયારો ભગીરથસિંહ દ્વારા રજૂ થયા હતા.
આમ પીસ્તોલ, રીવોલ્વર, બંદૂકો અને ડબલ બેરલ ગન વિગેરે કુલ-6 હથિયારો રજૂ થય હતા જે પૈકીના ચાર હથિયારો ભગીરથસિંહે કરેલા છે તે ચારેય હથિયારોની પીન તોડીને રજુ કરેલા છે અને ડીસ્કવરીથી જે હથિયારો કબ્જે કરેલા છે તેમાં પણ ચેડા થયેલા છે જેથી આ ગુનામાં પુરાવાના નાશ કરવાની કલમ 201 નો ઉમેરો કરવાની અરજી કરવામાં આવી હતી. જે મોરબી સેશન્સ જજ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
આ હુકમની સામે મૂળ ફરીયાદીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજીના કામમાં ગુજરાત હાઈકોર્ટે એવો હુકમ કર્યો છે કે, આ કેસમાં પોલીસ તપાસમાં થયેલ પંચનામામાં જ રજૂ થયેલા હથિયારો સાથે ચેડા થયાના પુરાવા હોવા કોઇ કાર્યવાહી કરેલી નથી અને કેસ ચાલતો હતો તે દરમ્યાન આ હકિકત બહાર આવી હોવા છતાં કલમ 201 હેઠળ સરકાર તરફથી કે કોર્ટ તરફથી કલમ ઉમેરો કરવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને કેસ ચાલવા છતાં સરકાર તરફથી કેં કોર્ટ તરફથી કલમમાં ઉમેરો કરવા કોઈ કાર્યવાહી કરેલી નથી આ કેસમાં રજૂ થયેલ દસ્તાવેજો જોતા પ્રથમ દર્શનીય રીતે ભગીરથસિંહ દ્વારા લાયસન્સવાળા ચાર હથિયારો રજુ થયેલ છે તેમાં ચેડા થયેલ છે.
ડીસ્કવરી પંચનામાંમાં હથિયારો કબ્જે થયેલા છે તેમાં પણ ચેડાં થયેલાનું જણાતુ હોય ફેર તપાસ જરૂરી ગણાય છે જેથી આ કેસમાં ડી.વાય.એસ.પી.થી નીચેના અધિકારી નહીં તેમના દ્વારા તપાસ કરી આ કામમાં આરોપીએ રજૂ કરનાર ભગીરથસિંહએ હથિયારો સાથે ચેડા થયા છે કે કેમ તેની તપાસ કરી કોર્ટમાં વહેલામાં વહેલી તકે રિપોર્ટ કરવો અને ત્યાં સુધી આ કેસની ટ્રાયલ આગળ ચલાવવી નહી તેવો હુકમ ગુજરાત હાઈકોર્ટે ફરમાવેલ છે. આ ચકચારી કેસમાં ફાઇનલ દલીલના તબ્બકે આ પ્રકારનો હુકમ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.