અતુલ જોશી, મોરબી: મોરબી એલસીબી (Morbi LCB)એ આજે વહેલી સવારે એક જુગારધામ પર દરોડો કર્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે સાત જુગારીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5,14,000 રૂપિયા રોકડા મળી આવ્યા છે. જુગાર રમતા ઝડપાયેલા લોકો હાઇપ્રોફાઇલ હોવાથી તેમને છોડવવા માટે ક્રાઇમ બ્રાંચ અને પોલીસ સ્ટેશન ખાતે ગાડીઓની લાઇનો લાગી ગઈ હતી. આ કેસમાં પોલીસે તમામ લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે મોરબી એસ.પી. સુબોધ ઓડેદરાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેના પગલે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન.બી.ડાભી સહિતની ટીમે છેલ્લા એક સપ્તાહમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આજે વહેલી સવારે એલસીબી ટીમને ખાનગી રીતે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલા ફ્લોરા હાઉસ બંગલા નંબર-15માં જુગારધામ ચાલી રહ્યું છે.
દરોડામાં 1) કિશોરભાઇ ગણેશભાઇ અધારા 2) રાજેશભાઇ સવજીભાઇ બાવરવા (ઉં.વ. 40) રહે. વીરપર તા.ટંકારા જી.મોરબી. 3) મહેશભાઇ ચતુરભાઇ ચાડમીયા (ઉં.વ.36) રહે. રવાપર રાધે હાઇટસ ફલેટ ન. 201 તા.જી.મોરબી. 4) જયસુખભાઇ ઠાકરશીભાઇ કાસુન્દ્રા (ઉં.વ. 39) રહે. રવાપર વેલકમ પ્રાઇડ,સી-૩૦૨ તા. જી. મોરબી. 5) રણજીતભાઇ હરજીભાઇ કાવઠીયા (ઉં.વ.-45) રહે. મોરબી યદુનંદન પાર્ક-2 રવાપર રોડ. 6) અલ્પેશભાઇ નાથાભાઇ ભાલોડીયા (ઉં.વ. 37) રહે. વીરપર તા.ટંકારા જી. મોરબી. 7) સંજયભાઇ બાબુભાઇ ચૌહાણ, (ઉં.વ.-42 રહે. મોરબી રવાપર રોડ, અનુપમ સોસાયટી રંગે હાથ પકડાયા હતા.
આ દરોડામાં એલસીબી ટીમે રોકડ રૂપિયા 5,14,000 તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-7, કિંમત રૂપિયા 95,000 મળી કુલ કિંમત રૂપિયા 6,09,000ના મુદામાલ સાથે સાતેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિપ્ર પરિવારના લોકો જુગરધામના દરોડામાં આવી જતા વહેલી સવારે જ એલસીબી ઓફિસ અને મોરબી તાલુકા પોલીસ મથકે આરોપીઓને છોડાવવા ગાડીઓની લાઈનો લાગી હતી.