અતુલ જોષી, મોરબી: શહેરના (Morbi news) રાજપર રોડ પર આવેલ કારખાનામાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડો પાડીને વિદેશી દારૂની ૬૨૨ પેટી અને કુલ ૪૨ લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. જેની વધુ વિગત મુજબ સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે, મોરબીના રાજપર રોડ પર આવેલા આશીર્વાદ ઇમ્પેક્ષ નામના કારખાનામાં એક ટ્રકમાં દારૂનો જથ્થો આવવાનો છે.
જેથી સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા વહેલી સવારે રાજપર રોડ પર આશીર્વાદ ઇમ્પેક્ષ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૭૪૬૪ બોટલ મળી કુલ ૬૨૨ પેટી દારૂ જેની અંદાજીત કી. રૂ. ૩૨,૦૦,૦૦૦ અને ટ્રક નં. GJ 08 W 3871 જેની કી. રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ ૪૨,૦૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ટ્રક ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા જાટ (રહે.રાવતસર પ્રેમ સાગર તા.જી.બાડમેર રાજસ્થાન) વાળાને ઝડપી પડવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં સ્ટેટ મોનિટરીંગની એસપી નિરલિપ્ત રાયની રાહબરી હેઠળ ડીવાયએસપી કે ટી કામરીયાના સુપરવીઝનમાં પીએસઆઇ એ ડી ચાવડા સહિતની ટિમ રોકાયેલ હતી.પોલીસની તપાસમાં આ દારૂનો જથ્થો રફળેશ્વર ના રોડે થઈને રાજપર આવેલા આશીર્વાદ ઇમ્પએક્સ નામના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે પોલીસે ગુનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાજુના ગોડાઉનને પણ પોલીસની ટીમે ચેક કરતા તેમાંથી બહાર તાળું માર્યું હતું. આ ગોડાઉનમાં પણ દારૂ ભર્યો હોવાની શંકા જતાની સાથે જ પોલીસે દરવાજો તોડ્યો હતો અને ચેક કરતા અંદરથી એક શકમંદ મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતાં આ વ્યક્તિ મૂળ અમદાવાદ નો હોવાનું જણાવી તેણે જ દારૂનો જથ્થો રાત્રીના ગોડાઉનમાં ઉતાર્યો હોવાનું કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે આ ગુનામાં હાલ મોરબીના બે એક ડ્રાઈવર અને એક મહિસાગરના શખ્સ મળી કુલ ચાર શખ્સોની સંડોવણી સામે આવી છે.