મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં કાશ્મીરના પુલવામા ખાતે આતંવાદીએ આત્મઘાતી હુમલો કરતા સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. આતંકીઓને પોષતા પાકિસ્તાનના વિરોધાં અવનવા કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. ત્યારે મોરબીના એક સીરામીક એકમે એક અનોખું પણ સરાહનીય પગલું ભર્યું છે. મોરબીના નેશનલ હાઇવે ઉપર આવેલી સક્સેના સીરામીક એકમ દ્વારા પાકિસ્તાન સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શીત કરવામાં આવી રહ્યો છે. આ સીરામીક એકમે તેના ઝંડામાં પાકિસ્તાન મુર્દાબાદ લખેલું હોય તેવી ટાઇલ્સનું ઉત્પાદન કર્યું છે.
આ ટાઇલ્સ સીરામીક એકમ દ્વારા જાહેર શૌચાલયોમાં વિનામૂલ્ય લગાવવામાં આવનાર છે. આમ સીરામીક એકમ દ્વારા અનોખી રીતે રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સક્સેના ટાઇલ્સના ઓનરે જણાવ્યું હતું કે, તેઓએ હાલ 25બોક્સ ટાઇલ્સ તૈયાર કરી છે. આ ટાઇલ્સ તેઓએ પાકિસ્તાનની ઔકાત બતાવવા માટે ખાસ બનાવવામાં આવી છે. આ ટાઇલ્સને તેઓ પોતાના ખર્ચે જાહેર શૌચાલયોમાં મુકાવશે. હજી જરૂર પડે તો વધુ ટાઇલ્સ પણ બનાવાશે.