

મોરબી: ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha)ની આઠ બેઠક પર આજે પેટા ચૂંટણી (Gujarat By Election) ચાલી રહી છે. કોરોના કાળ (Corona Pandemic)માં ગુજરાતમાં આ પ્રથમ ચૂંટણી છે. મતદાન કરવા માટે લાયક હોય તેવા તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તે વાત સમજાવવા માટે ચૂંટણી પંચ મતદાતાઓને જાગૃત કરતું હોય છે. લાયક ઉમેદવાર ચૂંટણી જીતીને આવે તે માટે દરેક નાગરિકે મતદાન કરવું જ જોઈએ. મોરબી (Morbi By-Election) જિલ્લામાં પણ પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન માળીયા-મિયાણાના બગસરા ગામ ખાતે મતદાનનું મહત્ત્વ સમજાવતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પત્નીની અંતિમવિધિ પૂર્ણ કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.


મળતી માહિતી પ્રમાણે બગસરા ગામના વતની ચંદુભાઈ ભગાભાઈ અખિયાણીના પત્નીનું અકસ્માતમાં નિધન થયું હતું. જે બાદમાં ચંદુભાઈએ પહેલા તેમના પત્નીની અંતિમવિધિ પતાવી હતી. જે બાદમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા. ચંદુભાઈની સાથે સાથે તેમના પુત્રએ પણ મતદાન કર્યું હતું. એટલું જ નહીં, ચંદુભાઈએ અન્ય લોકોને પણ પરિવાર સાથે મતદાન કરવા માટે અપીલ કરી હતી.


પેટા ચૂંટણી મતદાન પર એક નજર : રાજ્યની બે ST અને એક SCની બેઠક સહિત કુલ આઠ બેઠક પર મતદાન યોજાયું છે. સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલશે. આઠ બેઠકો પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3,024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે. આ વખતે કોવિડની માર્ગદર્શિક મુજબ એક બૂથ પર 1,500ના બદલે 1,000 મતદારો જ મતદાન કરી શકશે. આ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.


મતદાન મથકોએ મતદારો માટે 3,400 થર્મલ ગન, 41 હજાર N-95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે. આ ઉપરાંત 21 લાખ પોલિથીન હેન્ડ ગ્લોઝ મતદારો માટે ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવી રહ્યા છે. પોલિંગ પાર્ટી માટે આઠ હજાર પીપીઈ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે.


કઈ બેઠક પર કોની કોની વચ્ચે ટક્કર? : 1) અબડાસા: પ્રદ્યુમનસિંહ જાડેજા (ભાજપ), ડો.શાંતિલાલ સંઘાણી (કૉંગ્રેસ) 2) મોરબી: બ્રિજેશ મેરજા (ભાજપ), જયંતીલાલ પટેલ (કૉંગ્રેસ) 3) ધારી: જે.વી. કાકડિયા (ભાજપ), સુરેશ કોટડિયા (કૉંગ્રેસ) 4) કરજણ: અક્ષય પટેલ (ભાજપ), કિરીટસિંહ જાડેજા (કૉંગ્રેસ) 5) ગઢડા: આત્મરામ પરમાર (ભાજપ), મોહનલાલ સોલંકી (કૉંગ્રેસ) 6) કપરાડા: જિતુ ચૌધરી (ભાજપ), બાબુભાઈ વરઠા (કૉંગ્રેસ) 7) ડાંગ: વિજય પટેલ (ભાજપ), સૂર્યકાંત ગામીત (કૉંગ્રેસ) 8) લીંબડી: કિરીટસિંહ રાણા (ભાજપ), ચેતન ખાચર (કૉંગ્રેસ)