

અતુલ જોશી, મોરબી: હળવદના ટીકરના રણ (Tikar Ran)માં કાળી મજૂરી કરતા અગરિયા (Salt Maker)ઓએ યોગ્ય ભાવ મેળવવા માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સાથે જ ધ્રાંગધ્રાની સ્થાનિક કંપની પર પણ આક્ષેપ લગાવીને તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે. વિશ્વભરમાં લોકોના ભોજનના સ્વાદમાં વધારો કરતું મીઠું (Salt) લોકોને સહેલાઈથી મળી રહે છે, પરંતુ આ મીઠું પકવવા માટે શ્રમિકો કાળી મજૂરી કરતા હોય છે. આ કામમાં મહિલાઓ અને વૃદ્ધ પણ જોડાય છે. ત્યારે હળવદના ટીકરના રણમાં મીઠું પકવતા અગરિયાઓ ન્યાયની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યાં છે.


દરરોજ કાળી મજૂરી કરીને અગરિયા મીઠું પકવે છે. જે બાદમાં મીઠાના યોગ્ય ભાવ ન મળતા અગરિયા ઉપવાસ આંદોલન પર બેઠા છે. હળવળથી 35 કિલોમીટર દૂર ટીકરના નાના રણમાં ઉપવાસ પર બેઠેલા અગરિયાઓએ ધ્રાંગધ્રાની ખાનગી કંપનીની કનડગતથી થાકીને ઉપવાસ પર બેઠા હોવાનું જણાવ્યું છે.


અગરિયાઓએ જણાવ્યું છે કે હાલ મીઠાના બજાર ભાવ કરતા 50% ઓછા ભાવમાં મીઠું આપવા માટે ખાનગી કંપની તેમના પર દબાણ કરી રહી છે. હાલ મીઠાનો બજારભાવ 340 રૂપિયા ચાલી રહ્યા છે, ત્યારે DCW ખાનગી કંપની 170 રુપિયામાં જ મીઠું આપવા માટે દબાણ કરી રહી છે.


સાથે જ રણની જમીન અમારી છે તેવો દાવો પણ કંપની કરી રહી છે. અગરિયાઓનું કહેવું છે કે તેમને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે. અગરિયા અન્ય વેપારીઓને મીઠું આપે તો કંપની મીઠું વેચવા દેતી નથી. કંપનીના આવી તાનાશાહી બાદ આખરે અગરિયાઓએ ઉપવાસની હથિયાર ઊગામ્યું છે.