

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો જામનગરનાં જોડિયામાં 13.52 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારનાં વરસાદની વાત કરીએ તો ટંકારામાં માત્ર બે કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હજી ગુજરાત પર આવનારા બે દિવસ ભારે છે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે.


આજે એટલે સોમવારે સવારે 6થી 8 કલાક દરમિયાન ટકારામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. મોરબીનાં ટંકારામાં બે કલાકમાં 3 ઇંચ, ટંકારામાં 2.72 ઇંચ, સુરેન્દ્રનગરનાં દસાડામાં, પાટણનાં સિદ્ધપુરમાં, કચ્થનાં ભૂજમાં અને રાજકોટનાં ધોરાજીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે મોરબીનાં વાંકાનેરમાં 1.92 ઇંચ, અમરેલીનાં વડિયામાં 1.8 ઇંચ જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢ, રાજકોટનાં લોધિકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદનાં આંકડા પર નજર કરીએ તો, જામનગરનાં જોડિયામાં 13.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મહેસાણાના કડીમાં 13.12 ઇંચ, મોરબીનાં ટંકારામાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતનાં ઉમરપાડામાં 10.24 ઇંચ, મોરબીમાં 9.96 ઇંચ, મહેસાણાનાં બેતરાજીમા 8.96, પાટણનાં સરસ્વતીમાં 8.36 ઇંચ, જ્યારે કચ્છના અંજારમાં 7.96 ઇંચ વરસાદ નોંધાયો છે.


રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે. ઉપરાંત 13 NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. અને SDRFની 11 તથા NDRFની 02 ટીમો એમ અન્ય 13 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.