

અતુલ જોશી, મોરબી: મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં મોડી સાંજે ઝઘડો થયો હતો. જેમાં કેસરબાગ નજીક આવેલા હનુમાનજી મંદિર (Kesarbag Hanuman Temple) ખાતે મોડી સાંજે અજાણ્યા ઈસમોએ યુવતીઓની છેડતી (Eve teasing) કરી હતી. આ દરમિયાન અહીં ઉભેલા યુવકોએ યુવતીઓની છેડતી ન કરવાનું કહેતા સામેના પક્ષેથી પાંચ જેટલા વ્યક્તિઓએ ઝઘડો કર્યો હતો. બોલાચાલી બાદ મામલો મારામારી (Fight) સુધી પહોંચ્યો હતો. આ બનાવમાં સામેના પક્ષેથી આવેલા યુવાનોએ છરી અને તીક્ષ્ણ હથિયારો વડે અચાનક જ હુમલો કરી દેતા ત્રણ યુવાનોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે મોરબી સિવિલ (Morbi civil hospital)માં ખસેડવામાં આવ્યા હતાં. મળતી માહિતી પ્રમાણે આરોપી દેવાંગ રજપૂત, તેના મિત્ર બબુડો અને અન્ય ત્રણ શખ્સોએ ફરિયાદી રાજદીપસિંહ ઝાલા અને તેના મિત્રોને ગાળો આપી અન્ય મિત્રોને બોલાવી છરી વડે હુમલો કર્યો હતો.


આ બનાવમાં દીપેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાડેજા, શિવરસજસિંહ હરપાલસિંહ ઝાલા, અર્જુનસિંહ બલભદ્રસિંહ ઝાલાને પીઠ અને પગમાં પાછળના ભાગે છરી લાગતા સિવિલ હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. જે બાદમાં પોલીસને જાણ કરતા મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હતી.


આ બનાવના પગલે સિવિલ હૉસ્પિટલ ખાતે મોરબી રાજપૂત કરણી સેનાના આગેવાનો અને ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો પહોંચી ગયા હતા. સાથે જ આવા આવારા તત્વો અને આ હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.


બનાવ બાદ મોરબી બી ડિવિઝન પીઆઈ આઈ.એમ. કોંઢિયા સહિતના પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને બનાવની હકીકત જાણી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં હુમલો કરનાર આરોપીઓને ઝડપી લેવા માટે મોરબી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આધારભૂત સૂત્રોના કહેવા પ્રમાણે આરોપીઓ બહુ ઝડપથી પોલીસ પકડમાં આવી જશે.