મોરબી: હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગમાં DJના તાલે નાચી ફાયરિંગ કરવું પિતા-પુત્રને ભારે પડ્યું, થઈ ધરપકડ
હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિગ કરનાર દિનેશ દેવાભાઈ મહાલીયાએ તેના પુત્રના લગ્નમાં 190થી 200 લોકો ભેગા કરી અને જાહેરનામનો ભંગ કરી લોકોના જીવ જોખમાય એ રીતે ફાયરિંગ કર્યા હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી.


અતુલ જોશી, મોરબીઃ અત્યારે કોરોના વાયરસના (coronavirus) ભય હેઠળ લગ્ન સિઝન (Wedding season) ચાલી રહી છે. ઠેરઠેર લગ્નના માંડવા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં લગ્નમાં ભાન ભુલીને ફાયરિંગ (firing in marriage) કરતા હોવાની ઘટનાઓ પણ બનતી રહે છે. જોકે, વાયરલ વીડિયોના (viral video) આધારે પોલીસ આરોપીઓને પકડી પાડે છે. આવી જ એક ઘટના મોરબીના (morbi) હળવદમાં બની હતી. હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિગ કરનાર દિનેશ દેવાભાઈ મહાલીયાએ તેના પુત્રના લગ્નમાં 190થી 200 લોકો ભેગા કરી અને જાહેરનામનો ભંગ કરી લોકોના જીવ જોખમાય એ રીતે ફાયરિંગ કર્યા હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી.


હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગમા બારબોર જોટાથી ફાયરિંગ કરાયા હોવાના વીડિયો વાયરલ થયા હતા જેમાં એક વ્યક્તિ ડિજેના તાલે જુમતા જુમતા લોકોના ટોળા વચ્ચે બેફિકરાઇથી ફાયરિંગ કરાયું હતું. જેમાં આજુબાજુમા નાના બાળકો અને મહિલા નાચી રહ્યા હોવા છતાં આવી બેફિકરાઇથી ફાયરિંગ કરતા લોકોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ ફાયરીગ કરનાર શખ્સ ટીકર ગામનો દીનેશ દેવભાઈ મહાલીયા હોવાનું બહાર આવ્યું હતું.


જેથી પોલીસ જાતે ફરીયાદી બની અને જાહેરનામા ભંગ અને બેફિકરાઈ પૂર્વક લોકોના જીવ જોખમાય એ રીતે ફાયરિંગ કર્યાની પોલીસ ફરીયાદ કરી અને આરોપી દિનેશ દેવાભાઈ મહાલીયા અને તેના પુત્ર મનસુખની ધરપકડ કરી છે સાથે જ વીડિયોમાં દેખાતા લોકોની ધરપકડ કરવા પણ કવાયત હાથ ધરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ લગ્નમાં ફાયરિંગ કરવાની ઘટના બની હતી. અમદાાદમાં લગ્ન બાદ દુલ્હન પગફેરો કરવા માટે સાસરિયાથી પીયર જતી હોય છે. પરંતુ ઓઢવ વિસ્તારમાં લગ્ન બાદ વરરાજાનો પગફેરો પોલીસ મથકે થયો હતો. કારણકે વરરાજાએ લગ્નના ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કર્યું હતું.


ઓઢવના એક લગ્ન પ્રસંગમાં વરઘોડોમાં વરરાજાએ જોશમાં આવી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ અને પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી છે. ગત 9 તારીખના રોજ ઓઢવમાં રહેતા શિવા રાજપૂત નામના યુવકના લગ્ન હતા. લગ્નના વરઘોડામાં ઓપન જીપમાં ઉભો રહેલ વરરાજા શિવા રાજપૂત લગ્ન સ્થળે પહોંચતા જ વરરાજા ઉત્સાહમાં આવી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી દીધું. પિતાના લાઇસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું.