મોરબી: મોરબી (Morbi)ના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડમાં એક વ્યક્તિ પર હિચકારો હુમલો (Attack) થયો છે. જેમાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં હૉસ્પિટલ (Hospital) ખસેડેવામાં આવ્યો છે. વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ વધારે સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ વ્યક્તિ થોડા દિવસ પહેલા રાજકોટ ખાતે હિનટ્રેપનો ભોગ બન્યો હતો. આ કેસમાં એક મહિલા એએસઆઈ પણ સસ્પેન્ડ થયા હતા. મહિલા એએસઆઈને વેપારીને પોલીસ મથકે બોલાવીને ધમકાવ્યો હતો. રાજકોટ હનીટ્રેપ કેસમાં મહિલા એએસઆઈની સંડોવણી ખુલતા આ કેસે જે તે સમયે ખૂબ ચર્ચા જગાવી હતી. (તસવીર: ઘાયલ થયેલો વેપારી, ઇનસેટમાં હનીટ્રેપમાં સસ્પેન્ડ થયેલા મહિલા ASI) (ઇનપુટ: અમતુલ જોશી, મોરબી)
બનાવની વિગતે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ નજીક ગાંઠિયાનો ધંધો કરતા સંજય નામના વ્યક્તિ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે. હુમલામાં વેપારી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ બનાવ મામલે ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે. જે વ્યક્તિ પર હુમલો થયો છે તેઓ થોડા દિવસ પહેલા રાજકોટમાં હનીટ્રેપનો શિકાર બન્યા હતા. આ કેસમાં એક મહિલા ASIને સસ્પેન્ડ કરાયા હતા તેમજ જીઆરડીના પાંચ જવાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
શું હતો કેસ? : મોરબીના જમના ટાવરમાં રહેતા તેમજ ફરસાણનો વેપાર કરતા સંજયભાઈ સોમૈયાએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યાની ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે રાજકોટના કે.કે.વી હોલ પાસે સ્પા ધરાવતા આશિષ મારડિયા અને તેની પત્ની અલ્પા મારડિયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા વર્ષોથી અલ્પાના પરિચયમાં હતા. આ દરમિયાન બંને ફોનમાં વાતચીત કરતા હતા. જોકે, વેપારીએ ફરિયાદમાં એવું પણ લખ્યું છે કે તેઓએ અલ્પા સાથેની મિત્રતા તોડી નાખી હતી પરંતુ અલ્પાનો ફોન આવતા ફરીથી વાતચીત શરૂ કરી હતી. (તસવીર: હની ટ્રેપમાં જે તે સમયે ઝડપાયેલા આરોપી)
વેપારીને કેવી રીતે ફસાવ્યો?: અલ્પાએ વેપારીને એવું કહીને ફસાવ્યો હતો કે તેનો પતિ બહાર ગામ જવાનો છે. આ સમય દરમિયાન તેણીએ વેપારીને તેના ઘરે બોલાવ્યો હતો. જે બાદમાં પાંચમી ઓક્ટોબરના રોજ વેપારી મોરબીથી કાર લઈને અલ્પાના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન મહિલાનો પતિ આશિષ અને તેનો મિત્ર ઘરે આવી પહોંચ્યા હતા અને તેની પત્નીની છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવીને તેના પર પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જે બાદમાં મહિલાના પતિએ બે જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. તમામે વેપારીને કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને કેસ ન કરવા માટે બે લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો.
આ દરમિયાન અલ્પા તેના પતિ આશિષ, આશિષનો મિત્ર સુરેશ પરમાર, એલઆરડી જવાનો શુભમ નીતિન શિશાંગિયા અને રિતેષ ભગવાનજી પટેલે વેપારી પાસે રહેલા 22,500 રૂપિયા પડાવી લીધા હતા. જે બાદમાં કેસ ન કરવા બદલ 10મી ઓક્ટોબરના રોજ બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ મામલે વેપારીએ પોતાના ઘરે જઈને વાત કરતા પરિવારના લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. જે બાદમાં વેપારીએ ફરિયાદ આપતા આ ગુનામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ASI તૃષા બુસા સસ્પેન્ડ થયા થયા: મોરબીના વેપારીને હની ટ્રેપ (Rajkot Honey Trap Case)માં ફસાવવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) મનોજ અગ્રવાલે તાલુકા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI Trusha Busa) તૃષા બુસાને સસ્પેન્ડ કરી દીધા હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા બે જીઆરડી (GRD) જવાન સહિત કુલ પાંચ જવાનોની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
ASIનો રોલ શું હતો? : વેપારીને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસે રહેલા રોકડા 22,500 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. બાકીની બે લાખની રકમ પછીથી આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન વેપારી પોલીસ ફરિયાદ ન કરે તે માટે મહિલા ASI તૃષા બુસાએ વેપારીને પોલીસે સ્ટેશન બોલાવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરાવાનો ગુનો પણ નોંધ્યો હતો અને તેમને પોલીસ લોકઅપમાં પૂરી દીધો હતો. આથી જો ભવિષ્યમાં ફરિયાદ થાય તો આરોપી સ્પા સંચાલકની પત્નીના ઘરે નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં હતો એવું કહેવા માટે ખોટી સ્ટોરી ઊભી કરી હતી.