ભુજ: કચ્છ જિલ્લાના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકને પોલીસે ચોરીની શંકાના આધારે ગેરકાયદે રીતે પૂરી રાખ્યો હતો. આ દરમિયાન ઢોર માર મારતા તેનું મોત થઈ ગયું હતું. મોતના બનાવ બાદ યુવકને ગોંધી રાખનાર ત્રણેય ખાખાધારી ગુંડાઓ ફરાર થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે યુવકને એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો હતો કે તેનું મોત થઈ ગયું છે. જે બાદમાં યુવકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે ક્રૂરતાની હદ વટાવતા યુવકને ગુદાના ભાગે પેટ્રોલના પોતા મૂક્યા હતા. એટલું જ નહીં તેને વીજળીના ઝટકા આપવામાં આવ્યા હતા. યુવકના મોત બાદ અન્ય બે યુવકોને પણ ચોરીના શંકાના આધારે પોલીસે ગોંધી રાખ્યાનું માલુમ પડ્યું હતું. આ લોકોને પણ ગુદાના ભાગે વીજ શોક આપવામાં આવ્યો હતો.
આ મામલે પશ્ચિમ કચ્છ જિલ્લા સહાયક પોલીસ અધિક્ષક જે. એ. પંચાલ અને પ્રાંત અધિકારી ચૌધરીની હાજરીમાં મુંદ્રા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના ત્રણ લોકો વિરુદ્ધ હત્યા અને શકમંદને ગેરકાયદે રીતે ગોંધી રાખવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે શક્તિસિંહ ગોહિલ,અશોક કનાદ અને જયદેવસિંહ ઝાલા નામના ત્રણ કર્મી સામે ગુનો નોંધ્યો છે. જોકે, ત્રણેય આરોપીઓ શકમંદનું મોત થયું ત્યારબાદથી ફરાર થઈ ગયા છે. આ મામલે ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે 27 વર્ષીય અરજણ ખોરાજ ગઢવીને ગત તારખી 13મી જાન્યુઆરીના રોજ પોલીસે પાર્સલ આવ્યાનું કહીને બોલાવ્યો હતો. મૃતક સમાઘોઘા ગામનો વતની હતો. સમાઘોઘા ગામ ખાતે થયેલી 1.95 લાખની ચોરીના શંકામાં યુવકને પોલીસે બોલાવ્યો હતો અને ગેરકાયદે રીતે ગોંધી રાખીને માર માર્યો હતો. યુવકને ઢોર માર મારવામાં આવ્યા બાદ તેનું નિધન થઈ ગયું હતું.
આ અંગે ગઢવી સમાજના પ્રમુખ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ કસ્ટડીમાં મોત બાદ પીલોસે આ મોતને હૃદય રોગના હુમલાથી મોતના કેસમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મોતના સમાચાર ફેલાઈ જતાં પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આ દરમિયાન અન્ય બે યુવકોને પણ પોલીસે ગેરકાયદે રીતે ગોંધી રાખીને માર માર્યાનું સામે આવ્યું છે.