

કચ્છના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરી (ઉ.વ 50)ની ભર બજારમાં હત્યા કરાતા ચકચાર મચી હતી. આ ઘટનાનાં પ્રત્યાઘાત રૂપે મોડી રાતે અંજાર મુંદ્રા હાઇવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ પણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સારી લોકચાહના ધરાવતા વકીલની હત્યા બાદ માનકુવા, સુખપર, ગઢશીસામાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે રાપર પોલીસે હત્યામાં CCTVના આધારે શંકાસ્પદ શખ્સના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી જેમાં વકીલ આવ્યા અને હુમલાખોર તેમની રાહ જોઇને જ ઉભો હતો. હુમલાખોર માત્ર 10 સેકન્ડમાં હુમલો કરી ફરાર થઇ ગયો હતો. હાલ આ હત્યા પાછળ કયુ કારણ છે તે હજી સ્પષ્ટ થયું નથી.


વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરી મૂળ લખપત તાલુકાના નરા ગામના વતની હતા. તેઓ છેલ્લા 20 વર્ષથી વકીલાત કરતા હતા. તેઓ ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ સ્થાને પણ હતા અને રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના કાર્યાલયની બાજુમાં ઓફિસ ધરાવતા હતા.


બનાવની વાત કરીએ તો શુક્રવારે સાંજે સાડા છની આસપાસમાં તેઓ ઓફિસે જઇ રહ્યા હતા. ત્યારે જ એક યુવાન છરી લઈને બહાર તેમની રાહ જોઈ રહ્યો હતો. જેવા દેવજીભાઈ ઓફીસના પગથિયાં ચડ્યાં કે હુમલાખોરે હુમલો કરીને લોહી લુહાણ કરી નાખ્યાં હતા અને આરોપીએ તેમના ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા બાદ ફરાર થઇ ગયો હતો. (શંકાસ્પદ હુમલાખોરની તસવીર)


જે બાદ વકીલ દેવજીભાઈને ગંભીર રીતે ઘાયલ થતા સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હુમલો કરનાર શખ્સ CCTVમાં કેદ થઇ ગયો છે. ઘટના અંગે જાણ થતાં રાપરના પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા તેમાંથી પોલીસે શંકાસ્પદ આરોપીનાં ફોટા પણ જાહેર કર્યા છે.


આ ઘટનામાં મહત્વની વાતે એ છે કે, હુમલાખોરના મોબાઈલમાં ચાર્જિંગ ના હોવાનાં કારણે સીસીટીવીમાં દેખાતી પાંઉભાજીની દુકાને મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો. જેથી તે દરમિયાન તે દુકાનમાં લગાવેલા CCTVમાં કેદ થયો હતો. જોકે, હુમલો કરીને હુમલાખોર મોબાઈલ લેવા પણ ઉભો રહ્યો ના હતો. જેના કારણે પોલીસ મોબાઈલ અને તેની સાથે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સના આધારે તપાસ કરી રહી છે.