

મેહુલ સોલંકી, ભુજ : રાજ્યમાં રોજેરોજ અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કચ્છ અને ભુજની ભાગોળે કાર અને બાઇક વચ્ચેનો અકસ્માત સામે આવ્યો છે. ભુજની ભાગોળે એરફોર્સના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નિપજતા અરેરાટી છવાઈ ગઈ છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાના અરસામાં ફોરચ્યુનર કારે બાઈક સાથે ઉભેલાં ચાર યુવકોને પાછળથી ટક્કર મારતાં આ આ અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર પૈકી ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે. જેના કારણે પરિવાર સહિત આખા ગામમાં રોષ વ્યાપ્યો છે.


આ અકસ્માતમાં ઘવાયેલા 4 પૈકી ત્રણ યુવાનો કાળનો કોળિયો બન્યા હતા અકસ્માત સર્જ્યાં બાદ જીજે-12 ડીએમ-6299 નંબરનો કારચાલક કાર સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.<br />અકસ્માતમાં મુસ્તાક સમા (ઉ.વ.16), અબ્દ્રેમાન સાલે સમા (ઉ.વ.35), તૈયબ રહીમ સમા (ઉ.વ.20) અને હનીફ નુરમામદ સમા (ઉ.વ.17)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેઓને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકી ત્રણ યુવાનોના સારવાર દરમ્યાન મોત નિપજતા અરેરાટી છવાઈ ગઈ છે.


ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા કચ્છમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત ભુજ તાલુકાના કન્યાબેર પાસે સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા પછી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા બે લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત પછી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.