

મેહુલ સોલંકી, ભુજ/ કિર્તેશ પટેલ, સુરત : રાજ્યમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે ત્યારે આજે આગના ત્રણ જેટલા બનાવ બન્યા છે. જેમાં અમદાવાદ ખાતે એક એટીએમમાં આગ લાગી હતી. જ્યારે સુરતમાં બીઆરટીએસ બસ સ્ટોપમાં આગ લાગી હતી. આગની ત્રીજો બનાવ કચ્છમાં બન્યો છે. અહીં એક પવનચક્કીમાં આગ લાગી હતી. આ ત્રણેય ઘટનામાં જાનમાલને કોઈ નુકસાનના સમાચાર નથી મળ્યાં.


કચ્છમાં પવનચક્કીમાં આગ : રાજ્યમાં કચ્છના નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર (નેત્રા) ગામે આગનો બનાવ નોંધાયો છે. અહીં પવનચક્કીમાં આગ લાગી છે. સોમવારે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા દરમિયાન આ આગ લાગી હતી. ગામ લોકોના કહેવા પ્રમાણે આકાશી વીજળી ત્રાટકી હોવાથી આગ લાગી હોઈ શકે છે.


ગામની પાસે જ આવેલી પવનચક્કીમાં આગ લાગવાને કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આ પહેલા પણ કચ્છમાં પવનચક્કીમાં આગના બનાવો બની ચુક્યા છે. આજના બનાવ બાદ પવનચક્કીની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે.


સુરતમાં બીઆરટીએસ સ્ટોપમાં આગ: આગનો બીજો બનાવ સુરતના બીઆરટીએસમાં બનવા પામ્યો છે. જેમાં બસ સ્ટોપ બળીને ખાખ થઈ ગયું છે. બસ સ્ટોપમાં લાગેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક લોકો તરફથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવ્યા બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગને કારણે જાનમાલને કોઈ નુકસાન નથી પહોંચ્યું. બીજી તરફ આગ લાગવાનું કારણે જાણી શકાયું નથી.


મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારના દક્ષેશ્વર મહાદેવ બીઆરટીએસ બસ સ્ટોપ પર સવારે 10 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. જે બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચ્યા પહેલા હાજર લોકોએ પણ આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો.


કચ્છના ખેંગાપર ગામે વીજશૉકથી પાંચ શ્વાનનાં મોત : વરસાદ વચ્ચે અકસ્માતની એક ઘટના ભુજ તાલુકાના ખેંગાપર ગામ ખાતે બની છે. અહીં પીજીવીસીએલના ખુલ્લા વાયરને કારણે વીજ શૉક લાગવાને કારણે પાંચ શ્વાનના મોત થયા છે. ખુલ્લા વાયરોને કારણે નિર્દોષ પ્રાણીઓનો ભોગ લેવાતા ગામ લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.


અમદાવાદમાં સવારે ધીમીધારે પડેલા વરસાદ (Ahmedabad Rain) વચ્ચે આગનો બનાવ સામે આવ્યો છે. આ આગ કોઈ ફેક્ટરીમાં નહીં પરંતુ એક એટીએમ (ATM)માં લાગી છે. આગને પગલે એટીએમમાં રહેલી ચલણી નોટો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયરબ્રિગેડ (Ahmedabad Fire Brigade)ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂમાં મેળવી આગને આસપાસની દુકાનોમાં પ્રસરતી અટકાવી હતી.