મેહુલ સોલંકી, ભુજ: ભુજ તાલુકાના કુકમા ગામ (Kukma village)ના મહિલા સરપંચ કંકુબેન વણકર (Kankuben Vankar) દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને 60,000 વૃક્ષો વાવવાનું અભિયાન (Tree plantation) હાથ ધરાયું હતું. કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરીને જુદા જુદા નામો આપવામાં આવ્યા હતા. જેમાંનો એક પૈકી મિયાવાકી વન કે જેનું નામ જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વનમાં બેથી ત્રણ ફૂટના અંતરે ખૂબ ગીચતામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. બીજી રસપ્રદ વાત એ છે કે આ ગામની શેરીઓના નામ દીકરીઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. ગુજરાતની કદાચ આ એવું પહેલું ગામ હશે જ્યાં દીકરીઓના નામ પરથી ગામની શેરીઓના નામ રાખવામાં આવ્યા છે.
કુકમાના મતિયા દેવ મંદિરના પ્રાંગણમાં મિયાવાકી વન વસાવવામાં આવ્યું છે. આ મિયાવાકી વનમાં 15 જાતના વૃક્ષો મળીને કુલ 7,100 વૃક્ષો વાવવામાં આવ્યા છે. કાશીદ, સોનાલી, સરું, સેમલ, ગુલમહોર, કરંજ, મીઠી આંબલી, પે, બરસાતી, પીપળો, સેતુર, ખાટી આંબલી, પિલું, લીમડો અને બદામ જેવા 15 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેને દરરોજ દસ હજાર લrટર ગટરનું પાણી શુદ્ધ કરીને પાણી પાવવામાં આવે છે.
કુકમા ગામના મહિલા સરપંચ દ્વારા નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોને કાયમી પાણી મળી રહે તે માટે ગટરના પાણીને શુદ્ધ કરીને વન બનાવવામાં આવી રહ્યા છે. આ વનની દેખરેખ 45 જેટલા યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવી રહી છે. કુકમા ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના અંતર્ગત મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.
કુકમા ગામમાં આવેલા બોરડી ડુંગર, બુધ ઉપવન, ગામડિયો ડુંગર, તળાવની પાળ, મતિયા દેવ ડુંગર, મામા મંદિર અને સાર્વજનિક પ્લોટમાં આ રીતે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ વનોને જુદા જુદા સહયોગ વન, કૃષ્ણ બાગ, મિયાવાકી વન, બુધ ઉપવન જેવા નામો અપાયા છે. કુકમા ગામ વાવવામાં આવેલ 60 હજાર જેટલા વૃક્ષોમાંથી 80થી 85 ટકા જેટલા વૃક્ષો જીવિત છે.
ગામની દીકરીઓને કરાટે તાલીમ: વૃક્ષ વાવેતર ઉપરાંત અન્ય પ્રશંસનીય કામગીરીઓ પણ કરવામાં આવી છે. જેમાં ગામની દીકરીઓને કરાટે તાલીમ આપવામાં આવે છે. ત્રણ દિવસ સુધી પંચાયત દ્વારા દીકરીઓને તાલીમ અપાય છે .ઉપરાંત પરિવહન ખર્ચો પણ ઉપાડવામાં આવે છે. એટલું જ નહીં, ગામમાં જુદા જુદા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે. ખાસ વાત એ છે કે ગામની શેરીઓના નામ દીકરીઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. ગામની દીકરીઓના નામ પરથી શેરીનું નામ હોય તેવું આ પ્રથમ ગામ છે. ગ્રામ પંચાયતની સેવા અને કામગીરી શહેરોને ટક્કર મારે એવી છે.