

જૂનાગઢ: શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)માં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત (Suicide) કરી લીધો છે. આપઘાતનું કારણ હાલ અકબંધ છે. મૃતક વિદ્યાર્થી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીપરિયા ગામ (Pipariya village)નો વતની છે. વિદ્યાર્થીએ પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ વિદ્યાર્થી જે.પી. સ્વામી (J P Swami) નીચે અભ્યાસ કરતો હોવાની માહિતી મળી છે. આપઘાતના બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ કેસમાં વધારે તપાસ શરૂ કરી છે. આપઘાત કરી લેનાર વિદ્યાર્થીનું નામ ઉત્સવ ઠુમર છે. ઉત્સવે શા માટે આપઘાત કરી લીધો છે તેની માહિતી મળી નથી. જે.પી સ્વામીના કહેવા પ્રમાણે તેઓ રાત્રે 10 વાગ્યા સુધી ઉત્સવ સાથે હતા. ઉત્સવના મોઢા પર ચિંતા કે કોઈ એવા હાવભાવ ન હતા જેના પરથી લાગે કે તે આપઘાત કરી લેશે.


મળતી માહિતી પ્રમાણે આજે સવારે જે.પી સ્વામી જ્યારે મંગળા આરતી બાદ ઉત્સવના રૂમમાં ગયા ત્યારે તે ફાંસીએ લટકી રહ્યાનું જાણવા મળ્યું હતું. જે બાદમાં મંદિરના અન્ય સંતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં વિદ્યાર્થીના પરિવારને જાણ કરવામાં આવી હતી.


આ મામલે ઉત્સવના મોટા પપ્પા અરવિંદભાઈ ઠુમરે જણાવ્યું હતું કે, "ઉત્સવ મારા નાનાભાઈનો દીકરો હતો. પાંચ વર્ષથી સ્વામી સાથે રહીને અભ્યાસ કરતો હતો. ઉત્સવ પર કોઈનું દબાણ ન હતું. ઉત્સવને કોરોના થયો હતો ત્યારે મને ફોન આવ્યો હતો કે મારી તબિયત સારી છે અને આ લોકો મને સારી રીતે સાચવે છે. આજે સવારે મને આપઘાત અંગેની જાણ થઈ છે."


આ મામલે જે.પી. સ્વામીએ જણાવ્યું હતું કે, "ઉત્સવ બગસરાની બાજુમાં આવેલા પીપરિયા ગામના ઠુમર પરિવારમાંથી આવ્યો હતો. ઉત્સવ અહીં અભ્યાસ કરતો હતો. તે ખૂબ ધાર્મિક હતો. દિવાળી પછી વેકેશન માટે તેના ગામ ગયો હતો. ઉત્સવના દાદાની તબિયત નાદુરસ્ત હોવાથી તે ત્યાં રોકાયો હતો. આ દરમિયાન દાદા અને દાદીનું નિધન થયું હતું. તમામ વિધિ પૂર્ણ થયા સુધી તે ગામમાં રોકાયો હતો. ગયા શનિવારે તે જૂનાગઢ આવ્યો હતો."


રાત્રે 10 વાગ્યા સુધી સાથે હતા: જે.પી. સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, "રાત્રે અમે 10 વાગ્યા સુધી સાથે હતા. તે ખુશ હતો. સુવા સમયે મને એવું પણ કહ્યું હતુ કે મેં ઠાકોરજીને આજે એક કપડું ઓછું ઓઢાડ્યું છે. આજે ઠંડી ઓછી છે. એટલે ભગવાનને ગરમી ન થાય. નિત્યક્રમ પ્રમાણે મંગળા આરતીમાં ગયા બાદ મેં જોયું તો ઉત્સવના રૂમની લાઈટ ચાલુ હતી. ઉત્સવ મંગળા આરતીમાં આવ્યો ન હતો એટલે તેની તબિયત સારી છે કે નહીં તે જોવા માટે હું ઉપર ગયો હતો. મેં રૂમમાં જોયું તો તો ફાંસીએ લટકી રહ્યો હતો. જે બાદમાં મેં તમામ સંતોને જાણ કરી હતી."