

અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં વામન અને વિરાટના અનોખા લગ્ન યોજાયા છે. એક સેવાભાવી સંસ્થાના પ્રયાસથી આ લગ્ન સમારંભ (Marriage Function) સંપન્ન થયો છે. જેમાં જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવી કન્યા (Blind Bride)ના ઓછી ઊંચાઈના યુવાન (dwarfish groom) સાથે લગ્ન થયા છે. સાડા પાંચ ફૂટની ઊંચાઈની કન્યાના ત્રણ ફૂટની ઉંચાઈ ધરાવતા લગ્ન રંગેચંગે સંપન્ના થયા છે.


મળતી માહિતી પ્રમાણે બી.એડ.નો અભ્યાસ કરતી શાંતાબેન મકવાણા નામની પ્રજ્ઞાચક્ષુ કન્યા અને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ડાંગર નામનો યુવાન લગ્નગ્રંથિથી જોડાયા છે.


સેવાભાવી સંસ્થા સત્યમ સેવા મંડળ દ્વારા આ લગ્ન પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો. સત્યમ સેવા મંડળ દ્વારા અત્યાર સુધીમાં 1800 જેટલી કન્યાઓને કરીયાવાર સાથે લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. સંસ્થા તરફથી હવે વધુ એક લગ્ન કરીને સુવાસ ફેલાવવામાં આવી છે.


આપણે ત્યાં કહેવાય છે કે વિધિના લેખ લખાયા હોય તે જીવનસાથી મળે છે. લગ્ન જીવન માટે યોગ્ય અને સમકક્ષ સાથીની વર અને કન્યા પસંદ કરતા હોય છે. જોકે, આ કિસ્સામાં કોઈ પણ પ્રકારની સામ્યતા નથી. વરરાજાની ઊંચાઈ નથી તો કન્યા પ્રજ્ઞાચક્ષુ છે. છતાં બંનેએ પોતા પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો નિર્ધાર કર્યો છે.


29 વર્ષીય કન્યા શાંતાબેન મકવાણા મેંદરડા તાલુકાના રાજેસર ગામના છે. તેઓ હાલ બી.એડ.નો અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 42 વર્ષીય વરરાજા રમેશભાઈ ડાંગર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહે છે. રમેશભાઈ સડોદર તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.


શિક્ષક તરીકે રમેશભાઈને 47હજાર જેટલો પગાર મળે છે. લગ્ન માટે બંને પર કોઈ જ દબાણ કરવામાં આવ્યું નથી. બંને વર અને કન્યા એકબીજાની સહમતીથી જ લગ્નગ્રંથિથી જોડાયા છે.