જુનાગઢ, અતુલ વ્યાસ : રાજ્યમાં કોરોના કાળ અને લોકડાઉન સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે જુનાગઢ સોમનાથ રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કોંગ્રેસ મહિલા સભ્ય અને તેમના દીયરનું મોત થયું છે. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને બંને મૃતદેહને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરના સમયે જુનાગઢ સોમનાથ હાઈવે પર ગળોદર ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધા હતા, આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક પર સવાર મહિલા અને બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો હાથમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, માંગરોળ નગરપાલિકાના કોંગ્રેસ સભ્ય કાંતાબેન ગોહિલ અને તેમનો દિયર દિનેશ રામજીભાઈ ગોહિલ માંગરોલથી કોઈ સામાજિક કામ અર્થે બાઈક પર સવાર થઈ માળિયાહાટી જતા હતા આ સમયે ગળોદર ચોકડી પાસે કાળ બનીને આવેલા ટ્રકે તેમને અડફેટે લીધા, જેમાં બંને લોકો રોડ પર નીચે પટકાયા હતા, આ સમયે ટ્રકનું ટાયર મહિલા પર ફરી વળતા મૃતદેહ ટાયરમાં ફસાઈ ગયો હતો, જ્યારે ટ્રકની ટક્કરે યુવક ફંગોળાઈ રોડ પર પડતા તેનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માત મેઈન હાઈવે પાસે થતા થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતા. ઘટનાની જાણ સ્થાનિકોએ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે માહિતી પ્રાપ્ત કરી, બંને મૃતદેહને પીએમ માટે માળિયા હોસ્પિટલ ખસેડ્યા હતા. અને મૃતકોના પરિવારને આ મામલે જાણ કરી, આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક મહિલા અને યુવક સંબંધમાં ભાભી અને દીયર હોવાનું સામે આવ્યું છે.