

અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢમા સિનિયર સિટીઝનને દુબઈની ટૂર કરાવવાની લાલચ આપી અંદાજે 25 લાખની છેતરપિંડી કરનાર આરોપી સુરેશ દીલીપભાઈ તન્નાને જૂનાગઢની સાયબર ક્રાઈમે દબોચી લીધો છે.


સુરેશ તન્ના જૂનાગઢની નહેરુ પાર્ક સોસાયટીમાં મા ટ્રાવેલ ટાઈમ નામની એજન્સી ચલાવતો હતો. આ એજન્સીના ઓથા હેઠળ તેણે અંદાજીત 35થી વધુ સિનિયર સિટીઝનને દુબઈની ટૂર કરાવવાની લાલચ આપી 25 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. જેથી નામદાર કોર્ટે તેની સામે બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. (આરોપીની ફાઇલ તસવીર)


ત્યારે જૂનાગઢ રેંજ આઈજી દ્વારા આવા ફરાર થઈ ગયેલા ગૂનેગારોને પકડી લેવા સૂચના આપવામાં આવેલી ત્યારે રેંજ સાઈબર ક્રાઈમ પી.આઈ કે. કે. ઝાલાને માહિતી મળી હતી કે, આરોપી સુરેશ તન્ના મુંબઈ છે. માહિતીના આધારે સાઈબર ક્રાઈમના પી.એસ.આઈ એસ. જી. ચાવડા સહિતનો સ્ટાફ મુંબઈના ભાયંદરમા પહોંચ્યો હતો અને ત્યાં શિવસેનાવાળી ગલીમાં સુરેશ તન્ના આવતો હોય છે તેવી માહિતી મળી હતી. ત્યાં સમગ્ર સ્ટાફ દ્વારા ખરાઈ કરતા આરોપી સુરેશ તન્ના સાઈબર ક્રાઈમના હાથે ઝડપાઇ ગયો હતો.