

જૂનાગઢ : સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં લોકો વધારે પ્રમાણમાં જુગાર રમતા હોય છે. ત્યારે જૂનાગઢ LCBએ રહેણાંક વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જ્યાં યુટ્યુબર ધવલ દોમડિયા જીગલી સહિત 5 લોકોને ગત રાત્રે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. હાલ તો પોલીસે તમામની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેમની પાસેથઈ રોકડ, મોબાઇલ અને વાહનો સહિત 1.15 લાખનો મુદ્દામાલ પકડ્યો છે.


જુનાગઢ LCBને શહેરના મધુરમ વિસ્તારમાં કૃષ્ણપાર્કમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રહેણાંક મકાનમા દરોડા પાડ્યા હતા. જેમા પોલીસે 'જીગલી' તરીકે પ્રખ્યાત યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ઝડપાયેલા આરોપીઓના નામ - ધવલ જયેન્દ્રભાઈ દોમડિયા (ઉં.વ.24), કમલેશ હરસુખભાઈ ટાંક (ઉં.વ.32), નંદન બકુલભાઈ પંડ્યા (ઉં.વ.24), ધવલ દેવશીભાઈ ભેડા (ઉં.વ.24), જીગર હિમાંશુભાઈ કેલૈયા (ઉં.વ.24). પોલીસે દરોડા પાડી જુગાર રમતા પાંચેય શખ્સો પાસેથી રોકડ રૂપિયા 25 હજાર 90, 40 હજારના 8 મોબાઈલ અને 50 હજારની બે મોટર સાયકલ સહિત કુલ 1,15, 600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે જ પાંચેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.