અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં (Junagadh) આંબેડકર નગર વિસ્તારમાં ગઈ કાલે રાત્રે એક બંધ મકાનમાં (Fire) આગ લાગી હતી મકાન માલિક વીજય વાળા (Vijay Vala) સહિત તેમનો પરિવાર તેની બહેન ના ઘરે ગયો હતો ત્યારે તેના ઘરમાં આગ લાગ્યાની જાણ થતા પરિવાર પોતાના ઘરે પહોંચ્યો હતો. દરમિયાન આગની લપેટમાં ઘરવખરી, ટીવી, સોફાસેટ, એસી, ફ્રીઝ સીસીટીવી, વગેરે આગ મા બળી જતા રૂપિયા 4. લાખની નુકસાની ફરિયાદ વિજય વાળા એ એ.. ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપીઓમાં ફરિયાદી વિજય વાળાના સગાઓનાં નામ હોય મારૂ ઘર બાળી નાખવામાં આવ્યુ છે તેવી ફરિયાદ કરવામ આવી છે. વધુમા ફરિયાદી વીજય વાળાના પરિવાર ને પણ ધાકધમકી મળતી હોવાનુ પોલીસને જણાવ્યું હતું.
ફરિયાદી વિજય વાળાએ પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણ પરમાર, રાજુ સોલંકી, મલ્હાર પરમાર, ગૌતમ વડીયાતર, કિશોર વડીયાતર, અશોક ચૌહાણ, કાલુ, કાલુનો ભાઈ ભાસ્કર, શરદ બાબુ સહિત નવ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. વિજયે પોતાના ઘરમા બિન કાયદેસર પ્રવેશ કરી મારા ઘરમાં આગ લગાડયાની ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જૂનાગઢના પૂર્વ મેયર લાખા પરમારના દીકરા ધર્મેશની ધોળે દિવસે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. આ કેસનોપોલીસે ભેદ ઉકેલી જણાવ્યું હતું કે મૃતક ધર્મેશ અને ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સંજય બાડીયા વચ્ચે ઘણા સમયથી મનદુઃખ હતું જેનો ખાર રાખી, સંજયે પોતાના ભાઈ કમલેશ ઉર્ફે મરછરને ધર્મેશ ને મારવાનું કહ્યું હતું.
બાડીયાએ ફૂલપ્રુફ પ્લાન બનાવતા પોતે જૂનાગઢથી બહાર જાય ત્યારે કામ તમામ કરવાનું કહી સંજય ગુજરાત બહાર ચાલ્યો ગયો હતો, ત્યારે કમલેશે ધર્મેશને મારવાનું નક્કી કર્યું અને આ કામ માટે કમલેશે પોતાના બે સાળા,રામજી અને ભૂરીયાને કામ આપ્યું હતું અને એક બાતમીદાર ભબરીયા ને મૃતક ધર્મેશ પર વોચ રાખવાનું કહ્યું હતું.બનાવના દિવસે ભુરીયાએ બાતમી આપી હતી કે ધર્મેશ ઘરની બહાર નીકળ્યો છે ત્યારે 6 લોકોએ ધર્મેશનું ઢીમ ઢાળી દીધું હતું
આમ ધર્મેશ પરમારની હત્યાની દાઝમાં આજે વિજય વાળાના ઘરને સળગાવવામાં આવ્યું હોવાનો તેનો આક્ષેપ છે. આ આક્ષેપ પણ લાખાભાઈના પુત્ર રાવણ પરમાર અને તેના સહિતના શકદારો પર કરવામાં આવ્યો છે ત્યારે હવે આ પોલીસ તપાસમાં કોનું નામ ખુલીને આવે છે તેના પર સૌની નજર રહેશે. જોકે, જો આ આક્ષેપો યોગ્ય ઠરે તો જૂનાગઢના રાજકારણમાં પણ તેના પડઘા પડશે.