રાજ્યમાં અકસ્માતના એક પછી એક બનાવો, જૂનાગઢ અને કચ્છમાં બે-બે લોકોનાં મોત, દાહોદમાં હિટ એન્ડ રનનો બનાવ
Junagadh and Kutch Road Accident: જૂનાગઢમાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. વંથલી માણાવદર હાઈવે પર જૂનાગઢના એક યુવાન અને વૃદ્ધાને અકસ્માત નડ્યો હતો.


અમદાવાદ: રાજ્યમાં રોડ અકસ્માત (Road Accidents- Gujarat)ની દરરોજ અનેક ઘટના સામે આવતી હોય છે. આવી જ રીતે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં થયેલા અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. રોડ અકસ્માતને પગલે જૂનાગઢ (Junagadh) અને કચ્છ (Kutch)માં બે-બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે દાહોદ (Dahod hit and run)માં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવકોને ઈજા પહોંચી છે.


જૂનાગઢ: જૂનાગઢમાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. વંથલી માણાવદર હાઈવે પર જૂનાગઢના એક યુવાન અને વૃદ્ધાને અકસ્માત નડ્યો હતો. અહીં ટ્રક અને વાન વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાને અને વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.


મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના 35 વર્ષિય વિશાલ મહેશભાઈ આહુજા અને તેના વૃદ્ધ નાની જશોદાબેન વધવાણીનું કમકમાટી ભર્યુ મોત થયું છે. બંનેના મૃતદેહને વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.


કચ્છ: કચ્છમાં પણ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અબડાસાના ગઢવાડા પાસે અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઢવાડા મોથાળા હાઈવે પર આ અકસ્માત થયો હતો. અહીં બાઇક અને બોલેરો કાર વચ્ચે ટક્કર થઈ હતી.


અકસ્માતમાં એક યુવકે ઘટનાસ્થળે જ્યારે બીજા યુવકે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ મામલે કોઠારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા કચ્છના માંડવીના તલવાણા-કોડાય રોડ પર અચાનક આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગને પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.


દાહોદ: દાહોદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પાર્ક કરીને બેઠેલા યુવકોને એક કાર ચાલકોએ ઉડાવ્યા હતા. દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ ઘટનમાં ત્રણ યુવકોને ઈજા પહોંચી છે.