

અતુલ વ્યાસ, જૂનાગઢ : પીએમ મોદીએ (PM Narendra Modi) 24 ઓક્ટોબરનાં રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેનું (Girnar rpoeway) ઉદ્ધાટન કર્યું હતું. આજે દશેરાના (Dussehra) પાવન પર્વનાં દિવસથી ગિરનાર રોપ વે જાહેર જનતા માટે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. આજે સવારે 8 કલાકથી સાંજના પાંચ વાગ્યા સુધી (Girnar ropeway time) રોપ વે પ્રવાસીઓ માટે ખુલ્લો રહેશે. જેમાં સવારે 8થી 10 કલાકમાં 300થી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ વેમાં મુસાફરી કરી છે. દશેરાનાં દિવસે પ્રવાસીઓ મોટી સંખ્યામાં માતાજીનાં દર્શન કરવા આવી શકે તેવી શક્યતા છે.


ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રથમ એક હજાર ટિકિટ ગોલ્ડન ટિકિટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે. તેથી પ્રવાસીઓ પાસે મીઠા સંભારણા તરીકે તે ટિકિટ રહી શકે. જેથી તેમને યાદ રહે કે, તેઓ ગિરનાર રોપવેમા જનારા પહેલા એક હજાર લોકોમાંથી એક હતા.


નોંધનીય છે કે, ઉદ્ધાટન સમયે વડાપ્રધાને જણાવ્યું હતું કે, રોપ-વે કાર્યરત થવાથી સ્થાનિક કક્ષાએ રોજગારીના નવા અવસર ઉભા થશે. મુખ્યમંત્રીએ રોપ-વેથી પ્રવાસીઓ ઝડપથી અંબાજી પહોંચી દર્શન કરી શકશે.


મહત્વનું છે કે, 1983થી રોપવે પ્રોજેકટ માટે કાગળ પરની પ્રક્રિયા શરૂ થઈ હતી. અનેક અવરોધો બાદ ગિરનાર રોપ-વે તૈયાર થયો છે.


રોપ-વેની ટિકિટ 700 રૂપિયા બાળકો માટે 350 તેમજ વન - વે ટિકીટના 400 રાખવામાં આવી છે, પરંતુ ટિકીટના દર ઘટાડવામાં આવે એવી માંગ ઉઠી છે. જૂનાગઢના ગિરનારની પર્વતમાળા અને જંગલ વચ્ચેથી પસાર થતી રોપ-વે ટ્રોલીમાં લોઅરથી અપર સ્ટેશન સુધી ટ્રોલીને પહોંચતા સાડા છથી સાત મિનિટ અને અપરથી લોઅર સ્ટેશન સુધી ટ્રોલીને પરત આવતા પાંચથી છ મિનિટ થાય છે.


જૂનાગઢના ગિરનાર પર્વત પર આજથી શરૂ થયેલા રોપ-વેના લોઅરથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર 2126.40 મીટર છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે. રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલોતરી તેમજ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ શહેર અને ભવનાથ તળાવનો અદ્ભુત નજારો તેમજ રોમાંચનો અનુભવ થાય છે. ગિરનારના શિખર પર પગથિયા ચડી જતાં ચારથી પાંચ કલાક માત્ર જવામાં જ થાય છે. તે રોપ-વેમાં માત્ર 15 મિનિટમાં આવ-જા થઈ શકે છે.