પ્રધાનમંત્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સા મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગતમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય આયુષ મંત્રી, સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, મનસુખભાઈ માંડવિયા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મુખ્ય સચિવ પંકજ કુમાર, કોમોડોર ગૌતમ મારવાહ, એર કોમોડર આનંદ સોંઢી, બ્રિગેડિયર સિદ્ધાર્થ ચંદ્ર, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી,પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ વગેરે સહભાગી બન્યા હતા.
સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા જામનગરની યસ કલગીમાં વધુ એક મોર પીછનો ઉમેરો થવા જઇ રહ્યો છે. જામનગરમાં વૈશ્વિક કક્ષાનું પરંપરાગત ઉપચાર કેન્દ્ર બનશે જેનું ખાતમુર્હત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. વડાપ્રધાનની સાથે WHOના ડિરેક્ટર જનરલ પણ જામનગરના મહેમાન બનશે, આ સિવાય મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.
જામનગરના અતિથિ થનાર તમામ મહાનુભાવોનું જામનગરવાસીઓ અદકેરૂ સ્વાગત સન્માન કરવામાં આવશે જેમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી આવનાર રાસ મંડળીઓ કાઠીયાવાડી લેહકા સાથે રાસની રમઝટ બોલાવશે. સુરેન્દ્રનગર, થાન, જૂનાગઢના બાટવા, પોરબંદર, ધ્રોલના લતીપર સહિતની 19 રાસ મંડળીના કલાકારો તેમની કૃતિ આગવા અંદાજમાં રજૂ કરશે.ઉપરાંત સીદસર, જામનગરના વિવિધ ગૃપ દ્વારા જામનગર ખાતે પધારનાર મહેમાનોના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે.
આયુષ મંત્રાલયે WHO સાથે આયુર્વેદ અને યુનાની પ્રણાલિની તાલીમ અને પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજો વિકસાવવા, રોગોનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ-11ના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડયુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશનો વિકસાવવા સહિત ઘણા મોરચે સહયોગ કર્યો છે અને ઈન્ટરનેશનલ ફાર્માકોપિયા ઑફ હર્બલ મેડિસિન (આઈપીએચએમ) અને અન્ય સંશોધન અભ્યાસો વગેરેના કામને સમર્થન આપ્યું છે.