

કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અહીં જમાઈ (Son in-law)એ પોતાના વૃદ્ધ સસરા (Father in-law)ની માથા પર ઇંટોના ઘા ઝીંકી નિર્મમ હત્યા (Murder) કરી નાખી હતી. આ બનાવે જિલ્લામાં ખૂબ ચકચાર જગાવી છે. આ બનાવમાં જમાઈ પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે જમાઈ સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. સસરા-જમાઈ વચ્ચે છેલ્લા આઠ વર્ષથી અબોલા હતા. દરમિયાન સસરા પોતાની પુત્રીને મકાનના વાસ્તુ માટેનું નિમંત્રણ આપવા આવતાં મંગળવારે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન જમાઈએ સસરાની હત્યા કરી નાખી છે. મૃતક આરએસએસ સાથે સંકડાયેલા હોવાથી હત્યાના બનાવ બાદ મંત્રી, સાસંદ સહિત બીજેપીના નેતાઓ દોડી ગયા હતા.


જામનગર શહેરમાં મંગળવારે એક તરફ ચૂંટણીના વિજય સરઘસ અને વિજયસભા ચાલતી હતી, ત્યારે જ જમાઈએ સસરાની હત્યા કરી નાખવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. કાલાવડમાં રહેતા અને આરએસએસ સાથે સંકળાયેલા વિજયભાઈ ભાનુશંકર ભટ્ટ નામના 65 વર્ષીય વૃદ્ધ મંગળવારે રાત્રે જામનગરના દિગ્વિજય પ્લોટ ખાતે રહેતા તેના જમાઈ મનિષ સુરેશભાઈ જાનીના ઘરે આવ્યા હતા.


વિજયભાઈના પુત્ર સચિને નવું મકાન બનાવ્યું હોવાથી મકાનના વાસ્તાનું નિમંત્રણ આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન સસરા અને જમાઇ વચ્ચે કોઈ વાતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા જમાઈ મનીષ જાનીએ પોતાના સસરા વિજયભાઈ પર ઈંટથી હુમલો કરી દીધો હતો. લોહી વહી જતાં વિજયભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.


આ દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે ઝપાઝાપી પણ થઈ હતી. જેમાં આરોપી જમાઈ મનીષને આંખના ભાગે સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે, વિજયભાઈ ભટ્ટનું મોત નિપજયું હોવાનું જાણવા મળતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.


જામનગર શહેરના ASP નિતેશ પાંડેના જણાવ્યા પ્રમાણે પોલીસે મૃતક વિજયભાઈ ભટ્ટના ભત્રીજા સંજય રમેશભાઈ ભટ્ટની ફરિયાદના આધારે આરોપી મનીષ સુરેશભાઈ જાની સામે આઇપીસી કલમ 302 અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. આરોપોને જી.જી.હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અટકાયત કરી લીધી છે.