કિંજલ કારસરીયા, જામનગર : જામનગર (Jamnagar news) નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે (Hapa marketing) ઘેટાં બકરા ચરાવતા ભરવાડ વૃદ્ધની હત્યાનો (Old man murder) LCBએ ભેદ ઉકેલી ચાર હત્યારાઓને દબોચી (murder accused arrested) લીધા છે. ઘેટા ચોરી કરી જતા આરોપીઓ સાથે વૃદ્ધે બાથ ભીડતા આરોપીઓએ હુમલો કરી વૃદ્ધનું કાસળ ઢાળી 6 ઘેટાં ચોરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધની હત્યા નિપજાવી નાસી ગયેલા ચારેય શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ પાછળ ના ભાગે ઘેટા બકરા ચરાવતા ભરવાડ વૃદ્ધને મોરબીના શખ્સોએ ઘેટા- બકરાની લૂંટ ચલાવી પાટણ જિલ્લામાં નાસી ગયા હતા. જેને લઈને જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ હારીજ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને દબોચી લીધા હતા. જામનગર તાલુકાના સામતપીર ગામમાં રહેતાં ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા નામના 70 વર્ષીય વૃદ્ધ શુક્રવારે સાંજના સમયે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં ઘેટા-બકરા ચરાવતા હતાં.
આ સમયે કોઇ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઢળી પડયા હતાં. જેથી વૃદ્ધને સારવાર માટે જી.જી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. અને બાદમાં પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
જામનગરના ઈન્ચાર્જ પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જુદી જુદી પોલીસની ટીમો બનાવી કયા કારણોસર વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી ? અને કોણે હત્યા કરી તે દિશામાં તપાસના આદેશ આપતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે ઘટનાસ્થળની આસપાસમાં સ્થાનિક લોકોની પુછપરછ કરી હત્યારાઓનું પગેરું મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી .જેમાં અમુક શખ્સો ઘટનાના દિવસે ઘેટાં સાથે જોવા મળ્યા હતા. જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને જામનગર એલસીબીની ટીમ ચારેય હત્યારાઓ સુધી પહોંચી હતી.
મૂળ મોરબી ના વાંકાનેર,ચંદનપુરા ભાટીયા સોસાયટી,નદીના કાંઠે રહેતા બુધો ગેલા ભાઈ પરમાર સરાણિયા, વિજય રધાભાઇ સિંધવ , અર્જુન ગેલાભાઇ પરમાર, કિશન જીવાભાઇ પરમાર નામના આ ચારેય શખ્સોને પોલીસે પાટણ પોલીસની મદદથી ઝડપી પાડી જામનગર લાવી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ચારેય હત્યારાઓ ની પૂછપરછમાં ઘેટાં માટે વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી છે.