કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે સાંસદ પૂનમ માડમે કહ્યું કે, આજના સંઘર્ષો ભવિષ્યની નારીને ન કરવા પડે તેવા સમાજનું નિર્માણ કરવાનું છે. સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. ટાઉનહોલ ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ નારીશક્તિને સન્માનિત કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં 08 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જામનગર ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સાંસદે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને મહિલાઓની દરેક ક્ષેત્રમાં ભાગીદારી માટે અનેરું યોગદાન આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી સમયથી મહિલાઓને સર્વ ક્ષેત્રમાં આગળ લાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને વર્તમાન મુખ્યમંત્રીએ પણ આગળ ધપાવી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેયર બીનાબેન કોઠારીએ ભારત નિર્માણમાં મહિલાઓના અસ્તિત્વને ઉજાગર કરી ભારત દેશને આપણે માતા સ્વરૂપ આપ્યું છે તેમ જણાવી નારી મહિમાની સંસ્કૃતિને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ વર્ષની થીમ “જેન્ડર ઇક્વાલિટી ફોર સસ્ટેનેબલ ટુમોરો” માટે ખાસ બ્રેક ધ બાયસના સૂત્રને લોકોને યાદ રાખી દીકરા-દીકરી સમાનતા અને દરેક ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષના ભેદભાવને મિટાવવા માટેની નેમ વ્યકત કરી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંસદ અને અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓને સન્માનિત-પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે રણજી ટ્રોફી વિજેતા છ મહિલા ખેલાડીઓ તથા અન્ય રમતમાં રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર મેળવનાર મહિલાઓને તેમજ સામાજિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, મહિલા કલ્યાણ અને સેવા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે નાના ભૂલકાઓની યશોદામાતા રૂપ આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ અને પુરસ્કારથી નવાજવામાં તેમજ બેટી બચાવો બેટી પઢાવો રંગોળી સ્પર્ધાના વિજેતાઓને અને વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ 181ની ટીમ, પોલીસ બેઝ્ડ સપોર્ટ સિસ્ટમની ટીમ અને જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ સખીમંડળોના બહેનોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવણીના કાર્યક્રમમાં લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાલક્ષી માહિતી મળે અને તેઓ તેનો લાભ લે તે માટે વિવિધ યોજનાના સ્ટોલ તેમજ જામનગર ડેન્ટલ કોલેજની ટીમ દ્વારા મહિલાઓને ઓરલ હેલ્થ વિશે જાગૃત કરી, ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સર્વેએ મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો હતો અને સ્ત્રી સશક્તિકરણના શપથ લીધા હતા.
આ પ્રસંગે શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, વિવિધ સમિતીના ચેરમેનઓ નયનાબેન પરમાર, ગીતાબેન ચાવડા, હર્ષાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા વિવિધ કચેરીના અને સંલગ્ન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.