

જામનગરમાં સામૂહિક આપઘાત કરી લેનાર વણિક પરિવારના પાંચ સભ્યોની આજે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કરી લીધો હતો. અંતિમયાત્રા જામનગર વણિક સુખડીયા કંદોઈ જ્ઞાતિની વાડી ખાતેથી કાઢવામાં આવી હતી. (રવિ બુદ્ધદેવ, જામનગર)


અંતિમયાત્રામાં સૌરાષ્ટ્રભરમાંથી વણિક કંદોઈ સુખડીયા જ્ઞાતિના લોકો જોડાયા હતા. એક સાથે પાંચ પાંચ લોકોની ઠાઠડી ઉઠતા સમગ્ર વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું. તમામ મૃતદેહને શબવાહિમાં સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા હતા.


જામનગરમાં આપઘાત કરી લેનાર પરિવારના મોભી (એકમાત્ર જીવિત વ્યક્તિ) એવા પન્નાલાલ સાકરિયાએ જણાવ્યું હતું કે ઘરમાં કમાવાવાળો તેનો દીકરો દીપક એકલો જ હતો. તેની સામે પરિવારનો ખર્ચ ખૂબ જ વધારે હતો. તેમના પત્ની છેલ્લા થોડા વર્ષોથી હૃદયની બીમારીથી પીડાતા હતા. તેની સારવાર માટે પણ મોટી રકમ ખર્ચ કરવી પડતી હતી.


10 વર્ષ પહેલા તેમણે લોન પર મકાન લીધું હતું. જેના હપ્તા પેટે મોટી રકમ ચુકવવી પડતી હતી. પરિવારની નજીવી આવક સામે ખર્ચ ખૂબ જ વધારે થતો હોવાથી દીકરો ભાંગી પડ્યો હતો. હું સવારે ઉઠ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે નીચે તમામ લોકોએ આપઘાત કરી લીધો છે.


પરિવારમાં એકમાત્ર વૃદ્ધ બચ્યા: વણિક પરિવારના પાંચ સભ્યોએ આપઘાતથી અરેરાટી વ્યાપી ગઈ છે. સાકરિયા પરિવારમાં કુલ છ સભ્યો હતા. જેમાંથી પાંચ સભ્યોએ આપઘાત કરી લેતા પરિવારમાં હવે ફક્ત એક વૃદ્ધ પન્નાલાલ સાકરિયા બચ્યા છે. સામુહિક આપઘાતના સમાચારથી તેઓ હતપ્રભ થઈ ગયા છે.


મોટો પુત્ર રાજકોટ રહે છેઃ આપઘાત કરી લેનાર પરિવારના મોભી પન્નાલાલ સાકરિયાને પાંચ સંતાનો હતા. જેમાંથી મોટો પુત્ર રાજકોટમાં સદભાવના આશ્રમમાં રહે છે. જ્યારે ત્રણ દીકરીઓના લગ્ન થઈ ગયા છે. પન્નાલાલ નાના દીકરા દીપક સાથે જામનગરમાં રહેતા હતા.