કિંજલ કારસરીયા, જામનગર: જામનગર (Jamnagar) માં આજે એક સત્તાપક્ષના જ મહિલા કોર્પોરેટર (BJP Woman Councillor) હાથમાં ઢોલ લઈને મહાનગરપાલિકાના પરિસરમાં પહોંચી ગયા હતા. તેમની સાથે અન્ય સ્થાનિકો પણ હતા. તંત્રના બહેરા કાને તેમની વાત પહોંચે તે માટે તેઓએ પાલિકા પરિસરમાં ઢોલ વગાડ્યો હતો. આ સાથે જ તેમણે તેમના પ્રશ્નનું નિરાકણ ન આવે તો ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મહિલા કોર્પોરેટર બપોરના 12 વાગ્યાની આસપાસ કોર્પોરેશન (Jamnagar Municipal Corporation) ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારથી આ સમાચાર લખાય છે ત્યાં સુધી એટલે કે પાંચ વાગ્યા સુધી તેઓ ઢોલ વગાડી રહ્યા હતા. આ દરમિયાન તેમણે અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે જામનગર મહાનગરપાલિકામાં સત્તાપક્ષના જ મહિલા કોર્પોરેટર ઢોલ વગાડીને સ્થાનિક મહિલાઓ સાથે દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત કરવા પહોચ્યાં હતાં. જામનગરના વોર્ડ નંબર 4માં છેલ્લા 15 દિવસથી મધુબન સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી આવે છે. આ અંગેની અનેક રજૂઆત બાદ પણ કોઈ સમાધાન ન આવતા અંતે ભાજપના જ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા આ વિસ્તારની મહિલાઓ સાથે મહાનગરપાલિકા પરિસરમાં ઢોલ વગાડતાં વગાડતાં પહોચ્યાં હતાં.
આ મામલે બીજેપી કોર્પોરેટરે જણાવ્યું હતું કે, "વોર્ડ નંબર-4માં છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી આવે છે. રજૂઆત કરવા છતાંય હજુ કોઈ નિવારણ આવ્યું નથી. આજે મેં સાહેબને બોલાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે કેટલા દિવસ પછી ચોખ્ખું પાણી આવશે એ અમને નથી ખબર. આ માટે સ્થાનિક લોકો સાથે ઢોલ લઈને રજૂઆત કરવા માટે આવી છું."
મહિલા કોર્પોરેટરે વધુમાં જણાવ્યું હતું કે, "જ્યાં સુધી અમને ચોખ્ખું પાણી નહીં મળે ત્યાં સુધી હું કમિશનર સાહેબની ઓફિસ બહાર ઢોલ વગાડતી રહીશ. ચોખ્ખું પાણી મળશે પછી જ ઘરે જઈશ. મધુબન સોસાટીની શેરીઓમાં સાવ ગટરનું પાણી આવે છે. આના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. કમિશનર સાહેબના કાને મારી વાત સંભળાય એ માટે ઢોલ વગાડી રહી છું. કારણ કે બે દિવસથી તેઓ લોકોની વાત સાંભળતા નથી. આ માટે ઢોલ સાથે રજૂઆત કરવા માટે આવી છું."