

કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં આર્યુવેદ યુનિવર્સિટીના વિદ્યાર્થી (Jamnagar Ayurved University Student ends life)એ કોઈ કારણોસર આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. જામનગરમાં ગુજરાતની સૌપ્રથમ આર્યુવેદ યુનિવર્સિટીમાં જ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિજય અજમલભાઈ ઠાકોરે (Vijay Ajmalbhai Thakor) પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.


વિજય ઠાકોર આયુર્વેદ યુનિવર્સિટી ખાતે BAMSનો અભ્યાસ કરતો હતો. વિજયે આર્યુવેદ યુનિવર્સિટીનાં બિલ્ડિંગના ટોપ ફ્લોરથી પરથી છલાંગ લગાવી હોવાનું સામે આવી રહ્યું છે. વિદ્યાર્થીએ શા માટે આપઘાત કરી લીધો છે તેનું કારણ સામે આવ્યું નથી.


આ ઘટનાને આર્યુવેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.અનુપ ઠાકરે ખૂબ જ દુઃખદ ગણાવી છે. વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવ્યાના બનાવ બાદ 108ની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, આ પહેલા જ વિદ્યાર્થીનું મોત થઈ ચુક્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પણ વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે મામલે તપાસ શરૂ કરી છે.


વિદ્યાર્થીના આઈકાર્ડ પર જે સરનામું નોંધાયેલું છે તેના પરથી તે મૂળ કચ્છના અંજાર તાલુકાના ભીમસરનો હોવાનું લાગી રહ્યું છે. જોકે, તેના વોલેટમાંથી મળેલા આધાર કાર્ડમાં સુરેન્દ્રનગર શહેરનું સરનામું નોંધાયેલું છે. વિદ્યાર્થીના વોલેટમાં તપાસ કરવામાં આવતા તેમાંથી આધારકાર્ડ અને ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા.


યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ મામલે જણાવ્યુ હતુ કે, "આજ રોજ બીએએમએસમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિજય અજમલ ઠાકોરે કોઈ અગમ્ય કારણસર અહીંની પી.જી. બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું છે. હાલ ઓનલાઇન અભ્યાસ ચાલતો હોવાથી તે અહીં હોય તેવી અમને કલ્પના પણ ન હતી. આ કેમ બન્યું તે તપાસ બાદ જ માલુમ પડશે. અમે આ અંગે પોલીસને જાણ કરી છે. અમારા તરફથી તપાસમાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. વિદ્યાર્થીએ જે સરનામું લખાવ્યું છે તેના પરથી તેઓ અંજારના નિવાસી છે. "