કિંજલ કારસરીયા, જામનગર: ગુજરાતમાં હાલ ચૂંટણીની મોસમ જામી છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body polls)માં રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં જોરશોરથી લાગ્યા છે. આ દરમિયાન જામનગરમાં ભાજપના એક ઉમેદવાર (JMC election BJP candidate) માત્ર ડિજિટલ મીડિયા (Digital Campaign) અને ફોનના માધ્યમથી ઘરે બેઠાં બેઠાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. તો જાણીએ આ ઉમેદવાર કેવી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો હાલ પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
જામનગરના વોર્ડ નંબર વોર્ડ નંબર-7ના ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠિયા પોતાનો પ્રચાર ઘરેથી જ કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગોપાલ સોરઠિયાની તાજેતરમાં ભાજપના શહેર મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદમાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગોપાલ સોરઠિયાના બંને પગમાં ફ્રેક્ચર થતા તેઓને હૉસ્પિટલમાં સારવાર આપી પગમાં પ્લાસ્ટર સાથે રેસ્ટ કરવા ડૉક્ટરે સલાહ આપી હતી.
અકસ્માતમાં બંને પગમાં ફ્રેક્ચર થયા બાદ જામનગરના વોર્ડ નંબર-7ના ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠિયા લોકો વચ્ચે થઈ શકતા નથી. જોકે, તેઓ ડિજિટલ ઇન્ડિયાના નારાને સાર્થક કરતા ફેસબુક, ટ્વિટર, વોટ્સસએપ, ટેલીગ્રામ જેવા સોશિયલ નેટવર્ક ઉપરાંત ફોન દ્વારા કૉલિંગ અને વીડિયો કૉલિંગથી લોકો સુધી પહોંચી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે, તેવામાં જામનગરના ગોપાલ સોરઠિયા ડિજિટલ પ્રચારથી ચર્ચામાં આવ્યા છે. આ રીતે ભાજપના ઉમેદવાર ઘરેથી જ પ્રચાર પ્રસાર કરીને વડાપ્રધાન મોદીના ડિજિટલ ઇન્ડિયાના સૂત્રને પણ સાર્થક કરી રહ્યા છે.