

કિંજલ કારસરીયા,જામનગર: જામનગરમાં બોલેરો હડફેટે (Jamngar Car Accident Deaths) ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. મોરબીના મચ્છુ માતાજીનાં મંદિરે દર્શને જતાં ભરવાડ પરિવાર માટે મંગળવાર અમંગળ બન્યો છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનાં સોનવડીયા ગામના ભરવાડ પરિવારને જામનગરના મોરકંડા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે.


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામના ભરવાડ પરિવારના છ સભ્યો પદયાત્રા કરીને મોરબી નજીક આવેલા મચ્છુ માતાજીના મંદિરે માનતા પૂરી કરવા માટે જઈ રહ્યા હતા. જેઓ પરમ દિવસે પોતાના ગામેથી પદયાત્રા શરૂ કરીને નિકળ્યા હતા, અને મંગળવારે બપોરે જામનગર ની ભાગોળે ઠેબા ચોકડી નજીક મોરકંડા રોડ પર પહોંચ્યા હતા.


જેમાં એક વ્યક્તિ રીક્ષા છકડો ચલાવતી હતી, અને તેમાં માલ સામાન ભર્યો હતો. જ્યારે બાકીના પદયાત્રીઓ પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. આ સમયે પૂરપાટ વાગે આવી રહેલી એક બોલેરો ના ચાલકે પાંચ પૈકીના ચાર પદયાત્રીઓને હડફેટે લઇ લેતાં ચારેયને ગંભીર પ્રકારની ઈજા થઈ હતી. આ અકસ્માતમાં કિશોરભાઈ પોલાભાઈ રાડા (ઉંમર ૧૮) અને ભોજાભાઇ ગોકળભાઈ ચારોલીયા (ઉંમર વર્ષ ૫૦) બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.જ્યારે પોલાભાઈ ભીખાભાઈ (ઉ.વ.૩૭)ને ૧૦૮ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.


જ્યાં ફરજ પરના તબીબોએ તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. તેની સાથે કલાભાઈ ગમારા નામના ચાલીસ વર્ષના એક યુવાને પણ ગંભીર ઈજા થઈ છે, અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં તેની સઘન સારવાર ચાલી રહી છે. જેની પણ હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે.