

દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: દીવના સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે ખૂબ સારા સમાચાર છે. આજે દીવના કલેક્ટર સલોની રાયે દીવમાં પ્રથમ સીએનજી પંપ ખુલ્લો મૂક્યો છે. મલાલા ખાતે આજે કલેક્ટરે ખાનગી પેટ્રોલ પંપ ખુલ્લો મૂક્યો હતો. આ અંગે આયોજિત કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પેટ્રોલ પંપ શરૂ થતા હવે અહીંના સ્થાનિકો અને પ્રવાસીઓને લાભ મળી રહેશે. દીવ ફરવા માટેનું સ્થળ હોવાથી અહીં છેલ્લા ઘણા સમયથી સીએનજી પંપ શરૂ કરવાની માંગ ઉઠી હતી.


પ્રવાસીઓની પાંખી હાજરીથી હોટલ માલિકો પરેશાન: બીજી તરફ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ પર હજુ પણ કોરોનાનું ગ્રહણ ટળ્યું ન હોઈ તેમ લાગી રહ્યું છે. દીવમાં દિવાળીના દિવસોમાં પણ પ્રવાસીઓની પાંખી હાજરીને લઈ હોટેલ માલિકો અને વેપારીઓ પરેશાન થયા છે. દેશ અને દુનિયામાં જાણીતું બનેલું પ્રવાસન સ્થળ દીવના હોટલ માલિકો અને વેપારીઓ આજે પણ ખૂબ મોટો સંઘર્ષ કરી રહ્યા છે.


કોરોનાના લૉકડાઉનને લઈ દીવ આશરે 6 મહિના સુધી બંધ રહ્યા બાદ આ વર્ષની છેલ્લી સિઝન ગણાતી દિવાળીને લઈ વેપારીઓ અને હોટેલ માલિકોને આશા હતી કે વર્ષના અંતમા સારા દિવસો આવશે અને વેપાર-ધંધા ફરી ધમધમસે. પરંતુ વેપારીઓ અને હોટલ માલિકોની તમામ આશાઓ રોળાઈ હોઈ તેમ લાગી રહ્યું છે.


દીવના નાગવા બીચ પર હોટેલના મેનેજર તરીકે ફરજ બજાવતા રવિભાઈનું કહેવું છે કે દિવાળીની સિઝનમાં માત્ર ત્રણ દિવસ માટે હોટલ 80% બુક થઈ છે. તે પણ ગુજરાતના પર્યટકો તરફથી બુકિંગ કરાવાયું છે. અન્ય રાજ્ય કે અન્ય દેશના પર્યટકો હાલ દીવ આવવાનું ટાળી રહ્યા છે.


દીવના હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકો હાલ કપરા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે. જેઓને આશા હતી કે દિવાળીના દિવસો બમણી ખુશી લઈને આવશે. પરંતુ હાલ 25 ટકા પણ બુકિંગ દીવ શહેરની હોટેલોમાં થયું નથી. હોટલ એસોસિએશનના પ્રમુખ યતીન ફૂગરોના કહેવા મુજબ આગામી લાભ પાંચમથી પ્રવાસીઓ આવે તેવી આશા છે.