ગીર સોમનાથ: હાલ ગુજરાતમાં કેરીની સિઝન (Kesar Mango season) ચાલી રહી છે. તેમાં પણ તાલાળા ગીર (Talala Gir)ની કેસર કેરીની બોલબાલા છે. જોકે, હાલ કેસર કેરીની સિઝન પૂર્ણ થવાને આરે છે. હવે પછી માર્કેટમાં કચ્છી કેરી (Kutch Kesar Mango)નું મોટા પ્રમાણમાં આગમન થશે. આ દરમિયાન ગીર-સોમનાથ પોલીસે (Gir-Somnath Police) કેસર કેરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. કેસર કેરીના બોક્સમાંથી દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી હતી.
ઉના શહેરમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો: મળતી માહિતી પ્રમાણે ઉના પોલીસે (Una Police) વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના નવા નુસખાનો પર્દાફાશ કર્યો છે. હાલ કેરીની સિઝન પૂરબહારમાં છે ત્યારે ધરપકડ કરવામાં આવેલા બંને શખ્સો કેરીના બોક્સમાં દારૂ અને બિયરની બોટલો ગોઠવીને તેની હેરાફેરી કરી રહ્યા હતા.
પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કેરીના બોક્સની આડમાં છૂપાવેલા 31 હજાર રૂપિયાની કિંમતની વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગીર-સોમનાથ જિલ્લાના ઉના શહેરના બસ સ્ટેશનમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે બે વ્યક્તિઓ પાસે રહેલા કેસર કેરીના બોક્સની તપાસ કરતા સમગ્ર ભાંડાફોડ થયો હતો. આ સાથે જ પોલીસે બંને શખ્સની ધરપકડ કરી છે.