દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ટાઉતે વાવાઝોડા (Tauktae Cylone)એ ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath District)નાં ઉના અને ગીર-ગઢડા તાલુકામાં જે વિનાશ વેર્યો છે તેના ઝખમો હજુ રૂઝાયા નથી. વાવાઝોડું ગયાને આજે 25થી વધારે દિવસ થયા છતાં હજુ ઉના તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકો અંધારામાં જીવન પસાર કરી રહ્યા છે. ખેતરમાં ઊભેલો પોતાનો મહામુલો મોલ પણ વીજળીને વાંકે સુકાઈ ગયો છે. પશુઓ પાણી માટે ભાંભરડા નાખી રહ્યા છે. આ વિસ્તારની ખમીરવંતી પ્રજા કૂવામાંથી પાણી સિંચીને પશુઓને પાવા માટે મજબૂર છે. અહીં 35 સૈનિકોનો પરિવાર આજે પણ અંધારામાં જીવી રહ્યો છે.
સનખડા ગામથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા માલણ ગામની પણ આવી જ હાલત છે. સનખડા અને માલણ વિસ્તારમાં કુલ 1,500 જેટલા પરિવારો ખેતીવાડીનો વ્યવસાય કરે છે. આ બંને વિસ્તારના 35 જેટલા નવયુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવે છે. ગત તારીખ 17 મેના રોજ ટાઉતે વાવાઝોડાને કારણે બાગાયતી વૃક્ષો જેવા કે આંબા અને નાળિયેરી જમીનદોસ્ત બન્યા હતા. અનેક કાચા મકાનો, ઢાળીયા, છાપરા અને નળિયાં ઉડી ગયા હતા.
સનખડા અને માલણ ગામે ટાઉતે વાવાઝોડાએ એવો તો વિનાશ વેર્યો કે અહીં લોકો અનેક પરેશાનીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી વીજળી ન હોવાથી માલણ વિસ્તારની મહિલાઓ પોતાના મૂંગા પશુઓને કૂવામાંથી પાણી સિંચી તેમની તરસ છીપાવી રહી છે. પશુઓને પાણીની સમસ્યાની સાથે વાડી વિસ્તાર હોવાના કારણે વન્ય પ્રાણીઓનો પણ ભય રહે છે. અધૂરામાં પૂરું કોરોનાનું જોખમ પણ જેમનું તેમ છે.