

અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢમાં સિંહે (Asiatic lion) મનુષ્યનું મારણ કર્યું હોય તેવો રેરેસ્ટ ઑફ રેર બનાવ બન્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સિંહે હુમલો કરીને એક 17 વર્ષની કિશોરીને ફાડી ખાધી છે. જ્યારે બીજી એક કિશોરી બચી જવા પામી છે. જૂનાગઢના વંથલી તાલુકાના ધણફુલિયા અને સોનેરડી ગામની વચ્ચે આવેલા વિસ્તારમાં હુમલા (Lion attack)નો આ બનાવ બન્યો છે. જેમાં બે સિંહોએ પરપ્રાંતીય પરિવારની કિશોરીઓ પર હુમલો કરી દીધો હતો. વન વિભાગ (Forest department)ના સ્ટાફ અને બેથી ત્રણ સ્થાનિક લોકોએ સિંહના મુખમાંથી બાળકીને છોડાવવા માટે જીવ સટોસટનો જંગ ખેલ્યો હતો. જોકે, સિંહે બાળકીને મુખમાંથી છોડી દીધી ન હતી. (મૃતક કિશોરી)


સામાન્ય રીતે સિંહ મનુષ્યનો શિકાર કરતા નથી. ભાગ્યે જ બનતી આ ઘટનાથી ખુદ વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગોધરાના મોરવા-હડફનો પરપ્રાંતીય પરિવાર અહીં હરસુખભાઈ નામના ખેડૂતની વાડીએ કામ કરતો હતો. બંને કિશોરીએ રાત્રે કુદરતી હાજતે ગઈ હતી. આ દરમિયાન બે સિંહો આવી ચડ્યા હતા અને એક બાળકીને પોતાના મોઢામાં લઈને ઢસડી ગયો હતો. એક બાળકી દોડીને વાડીમાં આવેલા પાણીની કુંડીમાં પડી જતા તેનો બચાવ થયો હતો.


મૃતક કિશોરીનું નામ ભારતી છે, તેની ઉંમર 17 વર્ષ છે. જ્યારે બચી ગયેલી બાળકીની ઉંમર 13 વર્ષ અને તેનું નામ ભારતી હોવાનું માલુમ પડ્યું છે. સોમવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. એક સિંહ ભારતીને પોતાના મોઢામાં લઈને ભાગ્યો હતો, જ્યારે બીજો સિંહ રેખા પાછળ દોડ્યો હતો. જોકે, રેખા કુંડામાં પડી જતા તેનો બચાવ થયો હતો. બનાવ બાદ વિસ્તરણ રેન્જ ગીર-સોમનાથ એ.સી.પી. ઉષ્મા નાણાવટી ઘટનાસ્થળે દોડી ગયા હતા. જે બાદમાં સિંહોના પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. (બચી ગયેલી કિશોરી)


બાળકીને બચાવવા જીવ સટોસટનો જંગ: બાળકીને સિંહ ઢસડી ગયાની જાણીને નજીકમાં રહેલા વન વિભાગના કર્મચારીઓ અને ગામ લોકોએ સિંહના મોઢામાંથી બાળકીને છોડાવવા માટે જીવ જોખમમાં મૂકીને જંગ ખેલ્યો હતો. જોકે, સિંહે બાળકીને છોડી ન હતી. તમામ લોકો બાળકીને છોડાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે બીજો સિંહ તેમના પર હુમલો કરતો હતો. ઉલ્લેખનીય છે કે મનુષ્યનું મારણ કરનાર સિંહોનો આજીવન કેદની સજા ફટકારવામાં આવતી હોય છે. એટલે કે આવા સિંહોને પકડીને જંગલમાં નથી છોડવામાં આવતા. સામાન્ય રીતે સિંહોને પકડ્યા બાદ તેના નખ અને દાંતની તેમજ તેમના મળની તપાસ કરવામાં આવતી હોય છે. તેમાં મનુષ્યના બોડી પાર્ટ્સ મળી આવ્યા બાદ નક્કી કરવામાં આવે છે કે આ જ સિંહે મનુષ્યનું મારણ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે જે સિંહોએ બાળકી પર હુમલો કર્યો હતો તે ખૂબ જ આક્રોશમાં હતો.


સિંહના હુમલા પાછળ સંભવિત કારણો: સામાન્ય રીતે સિંહને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે. સિંહો મનુષ્ય પર હુમલો કરતા નથી. પરંતુ અમુક એવી સ્થિતિ છે જ્યારે તેઓ મનુષ્ય પર હુમલો કરતા હોય છે. દા.ત. મારણ પરથી જો સિંહને ભગાડવામાં આવે તો તે આક્રમક બની જતો હોય છે. આ ઉપરાંત મેટિંગ પિરિયડમાં દખલ કરવામાં આવે તો સિંહ હુમલો કરતા હોય છે. આ કેસમાં સિંહે જે બાળકીનું મારણ કર્યું હતું તેણીએ કાળો કોટ પહેરી રાખ્યો હતો. આથી શક્ય છે કે સિંહ તેણીને પાડું કે કોઈ પ્રાણી સમજી લીધી હોય અને હુમલો કર્યો હોય.


આરબ ટીંબડી ગામે 10 પશુનું મારણ: ગીરના જંગલના રાજા કહેવાતા સિંહો હવે જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાખી રહ્યા છે. હાલ કડકડતી ઠંડીમાં ગીરના જંગલના રાજાએ શહેર તરફ પ્રયાણ કર્યું છે. થોડા દિવસ અગાઉ રાજકોટના આસપાસના વિસ્તારમાં સિંહનું ટોળું દેખાયું હતું. સોમવારે રાતના સમયે સમયે જેતપુર નજીક આવેલ આરબ ટીંબડી ગામમાં ગૌ શાળામાં રહેલી ગાયોનું સિંહોએ મારણ કર્યું હતું. (તસવીર: સિંહના હુમલા બાદ કિશોરી પાણીની કૂંડીમાં પડી જતા બચાવ થયો.)


ગૌશાળાની 10 જેટલી ગાયોનું મારણ કરતા પશુ પાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ગામમાં સિંહના ટોળા જોવા મળતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જે બાદમાં વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પંજાના નિશાન પરથી અલગ અલગ દિશામાં સિંહોનું લોકેશન શોધવા માટે પ્રયત્નો હાથ ધર્યાં છે. બીજી તરફ હાલ રવિ સિઝન ચાલી રહી હોવાથી આવા હુમલાને કારણે ખેડૂતો ફફડી ઉઠ્યા છે. ખેડૂતોએ સિંહોના હુમલાના ડરે રાતના બદલે દિવસે વીજળી આપવાની માંગણી કરી છે. જેનાથી તેઓ ડર વગર ખેતરમાં પાકને પાણી પીવડાવી શકે.