દિનેશ સોલંકી, ગીરસોમનાથ : સૌરાષ્ટ્રમાં મેઘમહેરના બદલે મેઘ કહેર જોવા મળી રહ્યો છે (Saurashtra Rains) સાંબેલાધાર વરસાદના કારણે અનેક નદીઓ બે કાઠે વહી રહી છે. નાઘેરના ગીરસોમનાથ (Gir Somnath)માં ભારે વરસાદ બાદ શિંગવડો નદી (Shingvado River) બે કાંઠે વહી રહી છે. જોકે, આ વરસાદ બાદ શિંગવડો નદીના પટમાં આવેલો ગીરની આંખોનો તારો એટલે કે જમજીર ધો (Jamjir Water fall) સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જોકે, દૃશ્યોમાં સુંદર દેખાતો આ ધોધ મોતના ધોધ (Death Water fall) તરીકે પણ ઓળખાય છે.
ગીરસોમનાથના ગીર નેશનલ પાર્કની જામવાળા ચેકપોસ્ટ પાસે આવેલા આ ધોધ પર સામાન્ય દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જોકે, અહીંયા જવું જોખમી છે. ઉબડખાબડ નદીના પટમાં શેવાળના કારણે અનેક લોકો લપસી અને આ ધોધમાં કાળનો કોળિયો બની ગયા છે. ખાસ કરીને આ મોસમમાં અહીંયા જવું એ મોતને નોતરવા જેવું છે.
અહીંયા અનેકલોકોના જીવ ગયા હોવાથી ત્યાં જવા પર ચોમાસામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ધોધ ગીરસોમનાથનો અતિ ચર્ચાસ્પદ ધોધ છે. જોકે, ગીર નેશનલ પાર્ક અને દીવ ફરવા આવતા અનેક પ્રવાસીઓ અહીંયા ઉમટી પડતા હોવાથી આ પ્રવાસનનું મોટું સ્થળ છે. ધોધ પર આવતા પ્રવાસીઓના લીધે જામવાળા અને આસપાસના વિસ્તારના લોકોની રોજીરોટી નિર્ભર રહે છે.
ચોમાસું હળવું થયા બાદ જામવાળાના જમદગની આશ્રમ પાસેથી ચાલીને આ ધોધ સુધી જઈ શકાય છે. જ્યારે કોઈ પણ પ્રવાસીઓ આ ધોધ પાસે જાય ત્યારે ચોક્કસ તકેદારી રાખે કે તે આ નદીમાં નહાય નહીં અને ધોધની નજીક ન જાય, નહીંતર જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. જોકે, હાલમાં તો 'મોતનો ધોધ' ખૂબ સુંદર લાગી રહ્યો છે. જોકે, આ સુંદરતાની નજીક જવામાં જોખમ છે.