દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: ઈન્ટરનેટ યુગમાં એક તરફ જ્યાં આજના યુવાનો માત્ર મોબાઈલ અને ટેબ્લેટમાં વ્યસ્ત રહે છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામના ઘનશ્યામ સુદાણી (Ghanshyam Sudani) 1,800 કિલોમીટરનું અંતર કાપીને 21 દિવસે સોમનાથ મંદિર (Somnath Temple)થી અયોધ્યા (Ayodhya) પહોચશે. કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતીક એવામાં પ્રભુ શ્રી રામના મંદિર નિર્માણને લઈ દેશભરમાં એકતા અને અખંડિતતા જળવાય રહે તેવા હેતુથી આ યુવાને દેશભરમાં સંદેશ આપવા માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરીને દોડનો પ્રારંભ કર્યો છે.
પોતાની મેરેથોન શરૂ કરતા પહેલા ઘનશ્યામ સુદાણીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા. જે બાદમાં પોતાની દોડની શરૂઆત કરી હતી. આજે સવારે સોમનાથ ટ્રસ્ટે લીલીઝંડી આપીને મેરેથોન દોડની શરૂઆત કરાવી હતી. રામ મંદિર નિર્માણને લઈ દેશભરમાં એકતા અને અખંડિતતા જળવાય રહે તેવા ઉમદા હેતુ સાથે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેમ માટે દોડવીર ઘનશ્યામ સુદાણીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામથી ગત શિક્ષક દિવસના રોજ એક મેરેથોન દોડનું આયોજન કર્યું હતું. તેમે પીપળવા ગામથી અમરેલી સુધી દોડ લગાવી હતી. ઘનશ્યામ એક ખેડૂત પરિવારનો દીકરો છે. તેની ઉછેર પણ ગામમાં જ સામાન્ય સ્થિતિમાં જ થયો છે.