થોડા દિવસનાં વિરામ બાદ રાજ્યમાં (Gujarat) ફરીથી મેઘરાજાની (Monsoon) સવારી નીકળી હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 40 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. પ્રાપ્ત આંકડા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ ગીર સોમનાથના (Gir Somnath) ગીર ગઢડામાં 1.68 ઇંચ માત્ર બે જ કલાકમાં ખાબક્યો છે. જ્યારે મહેસાણાનાં ઊંઝામાં 1.44 ઇંચ, મહેસાણાનાં ખેરાલુમાં 1.43 ઇંચ, પાટણનાં સિદ્ધપુરમાં 1.28 ઇંચ, સાબરકાંઠાનાં ઇડરમાં 1.12 ઇંચ, અરવલ્લીનાં ભિલોડામાં 24 એમએમ વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલમાં વીજળી પડવાથી ઉત્તર ગુજરાતના મહેસાણામાં બે, અરવલ્લીમાં બે અને અમરેલીના ખાંભામાં એક એમ કુલ પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે.
રવિવારે વરસાદની વાત કરીએ તો અંબાજીમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં ઊંઝા અને ખેરાલુમાં દોઢ, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં એક તેમજ હારિજ અને ચાણસ્મામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં દાંતા-અંબાજીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભિલોડામાં એક કલાકમાં એક અને ઇડરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગીરગઢડામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ઝુડવડલી, સીમાસી, કાણકીયા, આંબાવડ, રેવદમાં અઢીથી 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ગીર જંગલના ઉપરવાસમાં 3 ઇંચ જયારે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા બે ઇંચ વરસાદ ખાબકયે હતો.
ગુજરાતમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં ઓવરફ્લો ડેમોની સંખ્યા 121 પર પહોંચી ગઈ છે. આ સાથે 167 ડેમો ઉપર હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે. એલર્ટ ડેમોની સંખ્યા 10 અને વોર્નિંગ અપાઈ હોય તેવા ડેમોની સંખ્યા પાંચ ઉપર પહોંચી છે. માત્ર 23 ડેમ એવા છે જ્યાં સંગ્રહ ક્ષમતા કરતાં 70 ટકાથી પણ ઓછું પાણી છે એટલે ત્યાં કોઈ સિગ્નલ અપાયા નથી, તેમ નર્મદા વિભાગના રિપોર્ટમાં જણાવાયું છે.